<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

એકસાથે, એક જ સ્‍થળે એકઠી થશે ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓ

અમદાવાદમાં ગીતા જયંતીના દિવસે ૨૦ ડિસેમ્‍બરે યોજાશે ગીતા શક્‍તિ મહાસંગમઃ એકતા, સંસ્‍કાર અને સકારાત્‍મક શક્‍તિના લેવાશે સંકલ્‍પઃ ભગવદ્‌ગીતાનો પ્રચાર-પ્રસાર કરવા અને ઘરે-ઘરે ગીતા પહોંચાડવાનો હેતુઃ રાજકોટના શ્રી ભગવદ્‌ગીતા ચેરિટેબલ ટ્રસ્‍ટે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું

અમદાવાદ,તા.૮: ૨૦ ડિસેમ્‍બરે ગીતા જયંતીના દિવસે અમદાવાદ ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી બનશે. શહેરમાં એકસાથે, એક સ્‍થળે ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓને એકઠી કરવામાં આવશે અને રેકોર્ડ સર્જાશે. આ માટે રાજકોટના શ્રી ભગવદ્ગીતા ચેરિટેબલ ટ્રસ્‍ટે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. સંસ્‍થા દ્વારા આયોજિત ગીતા શક્‍તિ મહાસંગમમાં એકઠી થનારી ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓ સહિત ઉપસ્‍થિત સૌકોઈ એકતા, સંસ્‍કાર અને સકારાત્‍મક શક્‍તિના સંકલ્‍પ લેશે. 

શ્રી ભગવદ્ગીતા ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ માધાભાઈ સખિયાએ કહ્યું હતું કે ‘ભગવદ્‌ગીતાનો પ્રચાર-પ્રસાર કરવા અને ઘરે-ઘરે ગીતા પહોંચાડવાના હેતુથી ગીતા જયંતીના દિવસે ૨૦ ડિસેમ્‍બરે અમદાવાદમાં ગીતા શક્‍તિ મહાસંગમ કાર્યક્રમ યોજાશે. એમાં ગીતા નામની ૨૫,૦૦૦ બહેનોને એકઠી કરવાનું આયોજન કર્યું છે. આ માટે જેમનું નામ ગીતા હોય તેમને આ ગીતા શક્‍તિ મહાસંગમમાં જોડાવા અપીલ કરીએ છીએ. ગીતા નામની બહેનોનું આ વિશાળ એકત્રીકરણ મહિલા શક્‍તિ અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક બનશે. કાર્યક્રમના સ્‍થળે યજ્ઞ પણ યોજાશે.' 

સંસ્‍થાનાં કાર્યકરો આરતી પરમાર અને હિના સોલંકીએ કહ્યું હતું કે ‘એકસાથે, એક સ્‍થળે ૨૫,૦૦૦ ગીતા નામની બહેનો એકઠી થઈને રેકોર્ડ બનાવશે. આ માટે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં પ્રોસેસ કરીને રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. આ પહેલાં સંસ્‍થા દ્વારા ૨૦૨૩માં સુરતમાં એકસાથે ગીતા નામની ૪૭૦૦ બહેનોને એકઠી કરી હતી અને એક રેકોર્ડ થયો હતો જેને વર્લ્‍ડવાઇડ બુક ઑફ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મળ્‍યું હતું. સંભવિત રીતે ગીતા નામની મહિલાઓને આ રીતે એકસાથે, એક સ્‍થળે એકઠી કરવાનું કામ કોઈએ કર્યું નથી.

(10:06 AM IST)