<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

આજે 16 મે : રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગુજરાતમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન, સામુદાયિક સહભાગથી ડેન્ગ્યુ મુક્ત રાજ્ય બનાવવાનો સરકારનો દૃઢ સંકલ્પ : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ડેન્ગ્યુ નિયંત્રણની લડાઈમાં સરકાર સંપૂર્ણ સજ્જ, પરંતુ જનતાના સક્રિય સહયોગ વિના સફળતા અશક્ય, દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય : આ વર્ષની થીમ 'તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ' અંતર્ગત 27 એપ્રિલથી 6 મે સુધી રાજ્યભરમાં 23 હજારથી વધુ ટીમો દ્વારા 2 કરોડથી વધુ ઘરોનો સઘન સર્વે, 1 લાખ ઘરોમાં મચ્છરના પોરાનો નાશ

ગાંધીનગર, તા. 16 : સમગ્ર દેશમાં વર્ષ 2016થી પ્રતિ વર્ષ 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. આ વર્ષે 11મા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ 'Community Participation Dengue Control: Check, Clean and Cover' એટલે કે 'સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ: તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ' નિર્ધારિત કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડેન્ગ્યુ નિયંત્રણ માટે સતર્ક છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંગે પ્રતિભાવ આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડેન્ગ્યુના અટકાયતી પગલાંઓ માટે સંપૂર્ણ સજ્જ છે, પરંતુ આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત અનિવાર્ય છે.

 

મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સર્વે સહિતના અભિયાનો દ્વારા ડેન્ગ્યુને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના આગોતરા આયોજનના ભાગરૂપે 27 એપ્રિલથી 06 મે 2026 દરમિયાન રાજ્યવ્યાપી હાઉસ ટુ હાઉસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અભિયાન અંતર્ગત કુલ 23,000થી વધુ ટીમો દ્વારા 2 કરોડથી વધુ ઘરો, ઓફિસો અને ઔદ્યોગિક વસાહતોની મુલાકાત લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 1 લાખથી વધુ ઘરોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશરે 27 લાખથી વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ 2.56 લાખ જેટલા તાવના દર્દીઓના લોહીના નમૂના લઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

ડેન્ગ્યુ એ એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. જેથી પાણીના પાત્રો જેમ કે ફ્રિઝની ટ્રે, એર કુલર, પક્ષીકુંજ અને કુંડા નીચેની ટ્રે દર અઠવાડિયે ખાલી કરી, ઘસીને સાફ કરવી. મચ્છરના ડંખથી બચવા આખી બાંયના કપડાં પહેરવા અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ ભંગાર, ટાયર કે નાળિયેરની કાચલીઓ જેવી વસ્તુઓ ખુલ્લામાં ન રાખવી જ્યાં પાણી ભરાઈ રહે. સખત તાવ કે સાંધાના દુખાવા જેવા લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ખાસ કરીને ડેન્ગ્યુની આશંકા હોય ત્યારે એસ્પિરિન દવાનો ઉપયોગ ન કરવો.

(2:16 PM IST)