<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

અમદાવાદમાં પોલીસકર્મીના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેની પત્નીએ ગળેફાંસો જીવન ટૂંકાવ્યું

10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી:પોલીસે સુસાઈડ નોટના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  અમદાવાદના વાસણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાનો આક્ષેપ થયો છે. એક પોલીસકર્મીના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને તેની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઈડ નોટના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

મૂળ જોધપુરની ગીતા રાજપુરોહિતના લગ્ન વર્ષ 2013માં અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. સુખદ લગ્નજીવનની આશા સાથે શરૂ થયેલી આ સફરમાં ગીતાને બે બાળકો પણ હતા. જોકે, પરિવારજનોના આક્ષેપ મુજબ, લગ્નના થોડા સમય બાદથી જ પતિ અર્જુનસિંહ નાની-નાની બાબતોમાં ગીતા સાથે ઝઘડો કરતો હતો. પોલીસની વર્દી પહેરનારો પતિ ઘરમાં પત્ની પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારતો હોવાનું સામે આવ્યું છે.

 

ગત 15મી એપ્રિલના રોજ ગીતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ગીતાના ભાઈએ આ મામલે મૌન તોડતા વાસણા પોલીસ સ્ટેશનમાં પોતાના બનેવી અર્જુનસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પતિના સતત ત્રાસને કારણે ગીતા હિંમત હારી ગઈ હતી અને અંતે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.

 

તપાસ દરમિયાન પોલીસને ઘરની અંદરથી એક સુસાઈડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં ગીતાએ પોતાની વેદના વ્યક્ત કરી હોવાનું મનાય છે. આ પુરાવાના આધારે અમદાવાદ પોલીસના 'એમ ડિવિઝન'ના એસીપી એ.બી. વાળંદના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. આરોપી અર્જુનસિંહ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર કિસ્સામાં સૌથી વધુ કરુણ પાસું એ છે કે 10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાએ પોતાની માતા ગુમાવી છે. પિતા પોલીસ હોવા છતાં કાયદાનું સન્માન જાળવવાને બદલે ઘરની અંદર જ હિંસા આચરતા હોવાના આક્ષેપે સમાજમાં ચર્ચા જગાવી છે. હાલમાં પોલીસ સુસાઈડ નોટના અક્ષરોની ખરાઈ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે જેથી પીડિતાને ન્યાય મળી શકે

(8:42 PM IST)