<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 18 વર્ષ બાદ ગુંજ્યો વાઘનો કલબલાટ: સફેદ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપ્યો

પ્રાણીપ્રેમીઓમાં ખુશીની લહેર: લાંબા સમય બાદ ઝૂમાં નવા મહેમાનનું આગમન, બચ્ચા અને વાઘણ બંને સ્વસ્થ; ઝૂ સત્તાવાળાઓ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે

વડોદરા, તા.૧૮: વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી ખુશખબર સામે આવ્યા છે. લગભગ 18 વર્ષના લાંબા ગાળા બાદ ઝૂમાં ફરી એકવાર વાઘનો કલબલાટ સંભળાયો છે. સફેદ વાઘણ રાધાએ એક બચ્ચાને જન્મ આપતા પ્રાણીપ્રેમીઓ અને ઝૂ સત્તાવાળાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

 

સયાજીબાગ ઝૂના ઈતિહાસમાં આ ઘટનાને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા 18 વર્ષથી ઝૂમાં વાઘના બચ્ચાનો જન્મ થયો નહોતો. સફેદ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપતા ઝૂ પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે. ઝૂના ડોક્ટરો અને કર્મચારીઓ દ્વારા વાઘણ રાધા અને નવજાત બચ્ચા બંનેની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

ઝૂ સત્તાવાળાઓએ જણાવ્યું કે માતા અને બચ્ચું બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. બચ્ચાને હાલ માતાથી અલગ કરવામાં આવ્યું નથી અને તેની તમામ કાળજી રાધા પોતે જ લઈ રહી છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ તકલીફ ન પડે. 

 

સફેદ વાઘ દુર્લભ પ્રજાતિનો હોવાથી આ બચ્ચાનો જન્મ સયાજીબાગ ઝૂ માટે ગૌરવની વાત છે. આ સમાચાર મળતા જ શહેરના પ્રાણીપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ બચ્ચાને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યું નથી. બચ્ચું થોડું મોટું થાય અને વાતાવરણ સાથે ટેવાઈ જાય ત્યારબાદ તેને મુલાકાતીઓ નિહાળી શકશે. ઝૂ પ્રશાસન દ્વારા બચ્ચાના નામકરણ માટે પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે.

(4:42 PM IST)