<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

તાપીના નિઝર-ઉચ્છલ હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા ત્રણ યુવકોના મોત

રૂમકિતભાવ અને વેડાપાડા ગામમાં શોકનું મોજુઃ એક યુવાન ગંભીર

અમદાવાદઃ તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ હાઇવે પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. નિઝરના ગામડી ગામની સીમમાં બે મોટરસાયકલો સામસામે પ્રચંડ વેગે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકોનો કુરચો બોલી ગયો હતો.

 

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં રૂમકિતલાવ ગામના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વેડાપાડા ગામના ઋષિકેશ વળવીનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ યુવકોના મોતના સમાચાર પ્રસરતા રૂમકિતલાવ અને વેડાપાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ અને ઘટનાસ્થળનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. આ કરુણ અકસ્માતમાં રૂમકિતલાવ ગામનો વિનુ વળવી નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તબીબો તેનો જીવ બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

 

અકસ્માતની જાણ થતા જ નિઝર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને PM માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા અંધારામાં કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બંને બાઇકો કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપીના હાઇવે પર જે રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, તે વાહનચાલકો માટે લાલબત્તી સમાન છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વળાંક પર સ્પીડ મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને પૂરપાટ ઝડપે વાહન હંકારવું કેટલું જીવલેણ સાબિત થઈ શકે છે.

(3:38 PM IST)