તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી:એક વૃદ્ધાનું મોત:અન્ય એક યુવક ઘાયલ
દરિયાપુરના વ્યસ્ત વિસ્તાર ડબગરવાડમાં મનસૂરી મહોલ્લામાં મકાન ધરાશાયી : બે લોકો કાટમાળ નીચે દટાઇ ગયા

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા એક વૃદ્ધાનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે. ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી થતા જર્જરિત મકાનોની જાળવણી સામે સવાલ ઉભા થયા છે.
મળતી માહિતી અનુસાર, શહેરના દરિયાપુરના વ્યસ્ત વિસ્તાર ડબગરવાડમાં મનસૂરી મહોલ્લામાં આ ઘટના બની હતી. મંગળવારે મધરાતે આશરે 12:30 વાગ્યાના સુમારે અચાનક જ એક ત્રણ માળનું મકાન તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થવાની આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થયો હતો અને ભારે નાસભાગ મચી હતી. મકાન ધરાશાયી થતા તેમાં રહેતા બે લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ ખસેડીને અંદર દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી એક વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવી હતી પરંતુ ગંભીર ઇજાઓ અને શ્વાસ રૂંધાવાને કારણે હોસ્પિટલ સારવાર માટે પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. આ ઘટનામાં એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
