<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ :પીપેરો બેઠક બિનહરીફ

જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી 49 બેઠકો પર જ મતદાન યોજાશે: ચમારીયા બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતા હવે જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી 49 બેઠકો પર જ મતદાન યોજાશે. પીપેરો બેઠક પરના રાજકીય સમીકરણો બદલાતા આ બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેના કારણે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોનું ધ્યાન હવે બાકીની બેઠકો પર કેન્દ્રિત થયું છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કુલ 286 ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ક્ષતિઓને કારણે 110 ફોર્મ રદ થયા હતા અને 8 ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાના નામ પરત ખેંચ્યા હતા.

હાલના તબક્કે કુલ 168 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાગ્યનો ફેંસલો જિલ્લાના મતદારો કરશે. આ વખતે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે કારણ કે 48 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જોકે, ચમારીયા બેઠક પર સ્થિતિ અલગ છે, જ્યાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. 

આદિવાસી બહુમતી ધરાવતા આ જિલ્લામાં ત્રણેય પક્ષો પોતાની પકડ મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, મુક્ત અને ન્યાયી મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સમગ્ર પંથકમાં અત્યારે માત્ર ચૂંટણીલક્ષી ચર્ચાઓનો માહોલ જામ્યો છે.

(11:18 PM IST)