<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાં ગ્રાહક બની આવેલા ત્રણ શખ્સો રૂ.12.50 લાખની રોકડ ઉઠાંતરી કરીને ફરાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ: પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે આરોપીઓ અને તેમની કારની શોધખોળ શરૂ કરી

નવસારી જિલ્લાના વાંસદા ટાઉનમાં ધોળા દિવસે આંગડિયા પેઢીને નિશાન બનાવવાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વાંસદામાં આવેલી જાણીતી 'રમેશ અંબાલાલ આંગડિયા પેઢી'માં ત્રણ અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને ત્રાટક્યા હતા. આ ઠગબાજોએ રૂ.5 લાખ રૂપિયા આંગડિયા (ટ્રાન્સફર) કરવાના હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારીને વાતોના વડામાં પરોવી દીધો હતો. કર્મચારી તેમને વિગતો આપવામાં મશગૂલ હતો ત્યારે તકનો લાભ ઉઠાવીને ત્રણેય શખ્સોએ નજર ચૂકવીને ટેબલ/કાઉન્ટર પરથી રૂ.12.50 લાખની રોકડ રકમની સેરવી લીધી હતી.

રૂપિયા ગાયબ થતાં જ કર્મચારીને પોતાની સાથે છેતરપિંડી અને લૂંટ થઈ હોવાનો અહેસાસ થયો હતો. કર્મચારી બૂમાબૂમ કરીને ત્રણેય ઇસમોની પાછળ દોડ્યો હતો, પરંતુ ત્રણેય ગઠિયાઓ બહાર પાર્ક કરેલી પોતાની મારૂતિ સિયાઝ કારમાં બેસીને ઝડપથી રફુચક્કર થઈ ગયા હતા. લૂંટ અને ઉઠાંતરી કરવા આવેલા આ ત્રણેય શખ્સોની સમગ્ર કરતૂત આંગડિયા પેઢી તેમજ આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તેઓ સ્પષ્ટપણે નજરે પડે છે.

(10:31 PM IST)