તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ગાંધીનગરના મેદરા કેનાલ પાસે સેલ્ફી લેતી વખતે પગ લપસતા ત્રણ મિત્રો કેનાલમાં પડ્યા: એકનું મોત :બે યુવાનોનો બચાવ
કેનાલના કિનારે બે મિત્રો મોબાઈલથી સેલ્ફી લેતી વખતે અચાનક પગ લપસતાં કેનાલમાં પડ્યા : બંને મિત્રોને પાણીમાં ડૂબતા જોઈને કિનારે ઉભેલો ત્રીજો મિત્ર તેમને બચાવવા પાણીમાં કૂદ્યો અને જીવ ગુમાવ્યો

ગાંધીનગર નજીક આવેલા મેદરા કેનાલ પાસે સેલ્ફી લેતી વખતે પગ લપસી જતાં ત્રણ મિત્રો કેનાલના ધસમસતા પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં બે યુવાનોનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક 18 વર્ષીય આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના મેદરા કેનાલ પાસે ત્રણ મિત્રો ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન કેનાલના કિનારે બે મિત્રો મોબાઈલથી સેલ્ફી લઈ રહ્યા હતા. સેલ્ફી લેવાની લ્હાયમાં અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને બંને મિત્રો સીધા કેનાલની અંદર પડ્યા હતા.
પોતાના બંને મિત્રોને પાણીમાં ડૂબતા જોઈને કિનારે ઉભેલો ત્રીજો મિત્ર પણ તેમને બચાવવા માટે કોઈ પણ વિચાર કર્યા વગર કેનાલમાં કૂદી પડ્યો હતો. આસપાસથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન જતાં તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક રાહદારીઓએ ભારે જહેમત બાદ કેનાલમાંથી બે યુવાનોને હેમખેમ બહાર કાઢી લીધા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. જોકે, બંને મિત્રોને બચાવવા માટે પાણીમાં કૂદેલો ૧૮ વર્ષીય યુવાન વીર દિનેશજી ઠાકોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડભોડા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
