<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વરસાદની સાથે આકાશી વીજળી પડતા ત્રણ પશુઓના મોત

રાજગઠ અને થાનસાવલી ગામમાં અલગ-અલગ બે સ્થળોએ વીજળી પડતા પશુપાલકોમાં ફફડાટ

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં આજે વરસાદની સાથે આકાશી વીજળી પડવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. લુણાવાડાના રાજગઠ અને થાનસાવલી ગામમાં અલગ-અલગ બે સ્થળોએ વીજળી પડતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કુદરતી આફતને કારણે પશુધનને ભારે નુકસાન થયું છે, જેમાં વીજળીની ઝપેટમાં આવવાથી ૩ પશુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ૨ પશુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સદનસીબે, આ ઘટનામાં જાનહાનિ ટળી છે. વીજળી જે જગ્યાએ પડી હતી, ત્યાં નજીકના ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વીજળી પડવાના આ બનાવ બાદ સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પશુઓના મોતને પગલે અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વારંવાર વીજળીના કડાકા-ભડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

(9:17 PM IST)