તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ગુજરાતની ૧૭,૦૦૦ સ્વનિર્ભર શાળાઓના હિતાર્થે અસહકાર આંદોલનની ચીમકી
શિક્ષણ સુધારા વિધેયક-ર૦ર૬ ની વિસંગતતાઓ અને એફઆરસીની જટિલતાઓ દૂર કરવાની માંગ : ૩૦ ઓકટોબરે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનનું મહાસંમેલન

રાજકોટ, તા. ર૬ : ગુજરાતની ૧૭,૦૦૦ થી વધુ સ્વનિર્ભર શાળાઓના હિત, અધિકારો, સ્વાયત્તતા અને અસ્તિત્વના રક્ષણ માટે કાર્યરત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પડતર પ્ર‘ોનું યોગ્ય નિરાકરણ ન આવતાં રાજ્યભરના શાળા સંચાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે. મહામંડળે સરકાર અને શિક્ષણ વિભાગને તાત્કાલિક પ્ર‘ોનો ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યવ્યાપી અસહકાર આંદોલનની ચીમકી આપી છે.
મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓના પ્ર‘ોનું નિરાકરણ લાવવું એ સરકાર અને શિક્ષણ વિભાગની જવાબદારી છે. ગુજરાતની હજારો સ્વનિર્ભર શાળાઓ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ત્યારે તેમની સ્વાયત્તતા અને કાયદેસરના અધિકારોને અસર કરતા પ્ર‘ો અંગે સરકાર તાત્કાલિક સકારાત્મક અભિગમ અપનાવે અને મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ન્યાયસંગત ઉકેલ લાવે. અન્યથા શાળા સંચાલકોને પોતાના હકોના રક્ષણ માટે સંગઠિત થઈ લોકશાહી માર્ગે અસહકાર આંદોલન કરવાની ફરજ પડશે.
મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા અને ઉપાધ્યક્ષ અવિનાશભાઈ પટેલે રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને સંગઠનની એકતા જાળવવા અને મહામંડળના ન્યાયસંગત હિતોની લડતમાં એકજૂથ બની સહકાર આપવા આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ લડત કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના વ્યક્તિગત હિત માટે નથી, પરંતુ ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના અસ્તિત્વ, સ્વાયત્તતા, અધિકારો અને ભવિષ્યના રક્ષણ માટેની સામૂહિક લડત છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો સંગઠિત શક્તિ દ્વારા લોકશાહી માર્ગે પોતાનો અવાજ બુલંદ કરવો એ સમયની માંગ છે. તેમણે તમામ શાળા સંચાલકોને મહામંડળના કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થવા, સંગઠનની સૂચનાઓનું પાલન કરવા અને શાળાઓના હિતના રક્ષણ માટે એકતા જાળવવા અપીલ કરી છે.
શિક્ષણ સુધારા વિધેયક-૨૦૨૬ અંગે ચિંતા વ્યક્ત કરતા મહામંડળના મહામંત્રી મનહર રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક-૨૦૨૬અંગે સ્વનિર્ભર શાળા સંચાલકોમાં અનેક પ્રશ્નો અને ચિંતાઓ છે. વિધેયકમાં રહેલી વિસંગતતાઓનું નિરાકરણ લાવી શાળાઓની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે તે જરૂરી છે. શાળા સંચાલકોના પ્રતિનિધિઓ સાથે પૂરતી ચર્ચા કર્યા વિના શાળાઓને અસર કરતા નિર્ણયો લેવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રમાં અનિヘતિતા ઊભી થઈ શકે છે. તેથી સરકાર વિધેયક અંગેના વાંધાઓની સમીક્ષા કરી મહામંડળ સાથે તાત્કાલિક બેઠક યોજે તેવી માંગ કરવામાં આવી છે.
મહામંડળના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજય પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓનું મહાસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના સ્વનિર્ભર શાળા સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાઓના પડતર પ્રશ્નો, સ્વાયત્તતા અને અધિકારો અંગે સંગઠિત રજૂઆત કરશે. અકે અખબારી યાદીમાં જણાવાયું છે કે મહામંડળની મુખ્ય માંગણીઓ ૧. સ્વનિર્ભર શાળાઓના તમામ પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવે. ૨. શિક્ષણ સુધારા વિધેયક-૨૦૨૬ અંગેની વિસંગતતાઓ અને શાળા સંચાલકોના વાંધાઓનું નિરાકરણ લાવવામાં આવે. ૩. સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, કાયદેસરના અધિકારો અને શૈક્ષણિક કામગીરીનું રક્ષણ કરવામાં આવે. ૪.FRCની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક, સમયબદ્ધ અને ન્યાયસંગત બનાવવામાં આવે. ૫. શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયો પહેલાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવે.
મહામંડળના મહામંત્રી મનહર રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જો મહાસંમેલનો અને સામૂહિક રજૂઆતો બાદ પણ સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તથા મહામંડળ સાથે યોગ્ય ચર્ચા કરવામાં નહીં આવે, તો મહામંડળના પરિપત્રમાં જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. ૦૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજ્યવ્યાપી બે દિવસ શાળાઓ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે. મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે આ લડત કોઈ વ્યક્તિગત હિત માટે નથી, પરંતુ ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના અસ્તિત્વ, સ્વાયત્તતા, અધિકારો અને ભવિષ્યના રક્ષણ માટેની સામૂહિક લડત છે. આંદોલનમાં જોડાનાર શાળાઓને સંગઠનાત્મક સહયોગ આપવા મહામંડળ કટિબધ્ધ છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
