હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત વિધાનસભા, કોર્ટ અને અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
શાળાઓમાં સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું : સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પરઃ વ્યાપક તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો

અમદાવાદ, તા.૧૦: ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત વિધાનસભા, જિલ્લા સેશન્સ કોર્ટ અને ગિફ્ટ સિટી સ્થિત જમનાબાઈ સ્કૂલ સહિત અમદાવાદની કેટલીક નામાંકિત શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સવારે આશરે ૮ વાગ્યે મળેલા આ ધમકીભર્યા સંદેશને પગલે તુરંત જ પોલીસ તંત્ર, બોમ્બ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો હરકતમાં આવી ગઈ હતી. ગાંધીનગર એસપી રવિ તેજા વસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર, સુરક્ષાના ભાગરૂપે વિધાનસભા સંકુલમાં બે વખત સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
અમદાવાદ શહેરમાં પણ બોપલની ડીપીએસ, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ જેવી અગ્રણી શાળાઓમાં ધમકીને પગલે ભારે દહેશત ફેલાઈ હતી. સાવચેતીના પગલે ત્વરિત શાળાઓ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને વહેલી રજા આપવામાં આવી હતી, જેને કારણે ચિંતાતુર વાલીઓ દોડતા થઈ ગયા હતા. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરોને તૈનાત કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ જ હાઈકોર્ટ અને સુરતની કોર્ટને મળેલી ધમકીના કેસમાં સાયબર ક્રાઈમે ધરપકડ કરી હોવા છતાં ફરીથી આવા મેઈલ આવવા સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે.
આ ગંભીર ઘટના બાદ જિલ્લા દ્વારા તમામ શાળાઓને વિશેષ સતર્કતા રાખવા અને નિયમિતપણે સત્તાવાર ઈ-મેઈલ ચેક કરવા કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રએ વાલીઓને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબત જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી છે. હાલ સુરક્ષા એજન્સીઓ આ પ્રકારે ખોટી અફવાઓ ફેલાવનારા અને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનારા અદ્રશ્ય તત્વોને શોધી કાઢવા માટે સાયબર ટ્રેકિંગની મદદથી સઘન તપાસ ચલાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
