તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
ગુજરાત હાઇકોર્ટ-CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
‘ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામે ઈ-મેઇલ મોકલાયોઃ બોમ્બ અને ડોગ સ્કવોડનો હાઇકોર્ટ પરિસરમાં કાફલો ખડકાયો ઈ-મેઇલમાં અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોનો પણ ઉલ્લેખ

ગાંધીનગર, તા.૬: ગુજરાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ધમકીભર્યો સંદેશ ઈ-મેઇલ મારફતે મોકલવામાં આવ્યો હતો. આ સમાચાર મળતાં જ હાઇકોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો પણ તપાસ માટે પહોંચી ગઈ છે. આ ધમકી પાછળ કોણ છે અને ઈ-મેઇલ કયાંથી મોકલવામાં આવ્યો છે તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફોન કે પત્ર દ્વારા નહીં, પરંતુ ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઈ-મેઇલમાં બપોરે ૧:૧૧ વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, ધમકી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. હાઇકોર્ટ પરિસરમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી.
સાયબર ટીમ દ્વારા તપાસ શરૂ
આ ધમકીભર્યા ઈ-મેઇલને ગંભીરતાથી લઈને તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેઇલ કયાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે જાણવા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓ ઈ-મેઇલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ મામલામાં વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે. અહેવાલ મુજબ, ધમકીભર્યા ઈ-મેઇલમાં ઉત્તર પ્રદેશનાં અયોધ્યા, કાશી અને મથુરાનાં પ્રખ્યાત મંદિરોને પણ નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. જોકે, ધમકી સાચી છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
