<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

“સારવાર સાથે શિક્ષણ” ના અભિગમને આગળ ધપાવતી આ પહેલ..

પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળા સિવિલ ના એ.આર.ટી. સેન્ટર ખાતે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા ખાતે કાર્યરત પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા જનરલ હોસ્પિટલ, રાજપીપળા સ્થિત એ.આર.ટી. સેન્ટર ખાતે સારવાર માટે આવતા અને અભ્યાસ કરતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોને સારવારની સાથે સાથે તેમના શિક્ષણમાં પણ સતત પ્રોત્સાહન અને સહયોગ મળી રહે તે હેતુથી આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી.
    આ પ્રસંગે જનરલ હોસ્પિટલ, રાજપીપળાના સિવિલ સર્જન મા. ડો. હરેશ કોઠારી, એ.આર.ટી. સેન્ટરના નોડલ ઓફિસર ડો. સેજલ પટેલ, મેડિકલ ઓફિસર ડો. પ્રેરક આનંદ, પુરુષાર્થ ફાઉન્ડેશનના સીમા રોહિત સહિત એ.આર.ટી. સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે સહયોગ પૂરો પાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. “સારવાર સાથે શિક્ષણ” ના અભિગમને આગળ ધપાવતી આ પહેલ અંતર્ગત બાળકોમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય, તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ અભ્યાસમાં આગળ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
 આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા, સહકાર અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત સૌએ આવકારી હતી

(10:37 PM IST)