News of Sunday, 30th August 2026
મંગળવારે ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનનો પ્રારંભ :GSFA દ્વારા GSL-3ની ટ્રોફી અને જર્સીનું અનાવરણ તથા નવી ડિજિટલ એપ લોન્ચ
U-20માંથી બે ખેલાડીઓને જર્મનીમાં ટ્રાયલની તક મળશે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલ ભાટીયાને રૂ.2 લાખની એક્સ-ગ્રેશિયા સહાયની જાહેરાત પણ કરાઈ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સીઝનના પ્રારંભની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. GSL-3નો ભવ્ય પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. પ્રથમ બે સીઝનને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ ત્રીજી સીઝન વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક રહેવાની અપેક્ષા છે.
અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન GSFAના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં GSL-3ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે GSFAના પદાધિકારીઓ તેમજ GSLની ટીમોના માલિકો પણ ઉપસ્થિત રહ્યા. જર્સીની ડિઝાઇનમાં ગુજરાત ફૂટબોલની ઊર્જા અને આધુનિકતાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રોફી સમગ્ર સીઝન દરમિયાન ટીમો જે સર્વોચ્ચ સન્માન માટે મેદાનમાં ઉતરશે તેનું પ્રતીક બનશે
GSL-3માં યુવા ખેલાડીઓ માટે પણ મહત્વની તક ઉભી કરવામાં આવી છે. લીગમાં ભાગ લેનારા U-20 ખેલાડીઓમાંથી બે ખેલાડીઓની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ફૂટબોલ ટુર્નામેન્ટના ટ્રાયલ માટે કરવામાં આવશે. આ પસંદગી પ્રક્રિયામાં જર્મન સાયકોલોજિસ્ટ પ્રોફેસર જેન માયર અને બૉસ ટેકનોલોજી સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સહયોગ આપશે. આ પહેલ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવવાની તક આપી શકે છે.
કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવા ફૂટબોલર રાહુલ ભાટીયા માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. GSFA દ્વારા રાહુલ ભાટીયાને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અને મુશ્કેલીના સમયમાં સહયોગ આપવાના પ્રયાસ તરીકે આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે.
GSFAના પ્રમુખ પરિમલભાઈ નથવાણીએ GSL-3ને ગુજરાતની ફૂટબોલ યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે GSL માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની વ્યાપક દૃષ્ટિનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ તકો આપવા, વધુ લોકોને ફૂટબોલ સાથે જોડવા અને રાજ્યના યુવાનોમાં ફૂટબોલને પસંદગીની રમત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
