તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
રાજ્યમાં સીધી ભરતીના નિયમોમાં મોટો સુધારો થશે :વર્ગ-1 માટેની 5 વર્ષની અને વર્ગ-2 માટેની 3 વર્ષની ફરજિયાત અનુભવની શરત દૂર કરવા ભલામણ
હવે ઉમેદવારો અનુભવ વિના, માત્ર વિષયની શૈક્ષણિક લાયકાતના આધારે સીધી જ અરજી કરી શકશે: સામાન્ય વહીવટ વિભાગે (GAD) તમામ સચિવોને પત્ર લખ્યો

ગુજરાત સરકારના વહીવટી માળખામાં એક મોટો અને મહત્વપૂર્ણ બદલાવ આવવા જઈ રહ્યો છે. રાજ્યમાં વહીવટી અધિકારી વર્ગ 1-2 ની સીધી ભરતીના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવશે. અત્યાર સુધી આ ઉચ્ચ હોદ્દાઓ માટે શૈક્ષણિક લાયકાતની સાથે કામનો અનુભવ હોવો ફરજિયાત હતો, પરંતુ નવી દરખાસ્ત અનુસાર હવે વહીવટી અધિકારી વર્ગ 1-2 માં અનુભવની લાયકાત સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ( GAD) દ્વારા આ અંગેનો એક સત્તાવાર પત્ર રાજ્ય સરકારના તમામ વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.
આ નવા સુધારાની વિગતો મુજબ, વર્ગ-1 ની સીધી ભરતી માટે હાલમાં જે 5 વર્ષના અનુભવની ફરજિયાત શરત હતી, તેને હવે નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ જ રીતે, વર્ગ-2 ના અધિકારીઓની ભરતી માટે જરૂરી 3 વર્ષના અનુભવની શરત પણ રદ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. અત્યાર સુધી ઘણા પ્રતિભાશાળી ઉમેદવારો માત્ર અનુભવના પ્રમાણપત્રના અભાવે આ પરીક્ષાઓમાં ફોર્મ ભરી શકતા ન હતા, પરંતુ આ નિયમ આવવાથી હજારો યુવાનો માટે ક્લાસ 1 અને 2 અધિકારી બનવાનો માર્ગ સરળ બનશે.
નવા સૂચિત નિયમો લાગુ થયા બાદ, ઉમેદવારોએ કોઈ પણ પ્રકારના પૂર્વ અનુભવની જરૂર રહેશે નહીં. યોગ્યતા ધરાવતા ઉમેદવારો માત્ર સંબંધિત વિષયની શૈક્ષણિક લાયકાતના આધારે જ આ સીધી ભરતી માટે સીધી અરજી કરી શકશે. જીપીએસસી (GPSC) અને અન્ય ભરતી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની તૈયારી કરતા યુવા વર્ગમાં આ નિર્ણયને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી વિભાગો પાસેથી આ અંગે સત્વરે વલણ સ્પષ્ટ કરવા અને આગળની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
