News of Wednesday, 13th May 2026
હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે: રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા : રેડ એલર્ટમાં સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ
ગુજરાતમાં વધતા તાપમાન વચ્ચે સરકારની અપીલ- બપોરે 12 થી 4 ઘર બહાર ન નીકળો, ORS રાખો તૈયાર; બાળકો, વૃદ્ધો અને શ્રમિકો માટે ખાસ સૂચનાઓ જાહેર

ગાંધીનગર, તા. 13 : ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ 'રેડ એલર્ટ' જાહેર કરાય, ત્યારે નાગરિકોએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
તમામ નાગરિકો માટે સામાન્ય સાવચેતીઓ
માર્ગદર્શિકા મુજબ તરસ ન લાગે તો પણ દર 20-30 મિનિટે પાણી પીતા રહેવું. છાશ, નારિયેળ પાણી, લીંબુ-વરીયાળીના શરબતથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાઈ રહેશે. હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા. તાજો અને પચવામાં હળવો ખોરાક લેવો. મસાલેદાર, તળેલા કે વાસી ખોરાકથી બચવું. કાચી ડુંગળી, કાકડી, તરબૂચ, ટેટી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવું. બપોરે 12.00 થી 4.00 કલાક દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળવું. બહાર નીકળવું જ પડે તો માથું અને કાન રૂમાલથી ઢાંકવા.
રેડ એલર્ટ એટલે ગંભીર ખતરો
સરકારે જણાવ્યું કે રેડ એલર્ટનો અર્થ છે કે ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. આ સમયે હીટ સ્ટ્રોકની શક્યતા સૌથી વધુ હોય છે. જ્યારે તાપમાન પારો 45°C ને પાર કરે ત્યારે અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું. દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરવું. ઘરની બારીઓ પર પડદા રાખી ઘરને ઠંડુ રાખવું. ORSનું દ્રાવણ ઘરે વસાવવું અને ડીહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તુરંત ઉપયોગ કરવો.
વિશેષ વયજૂથ માટે સૂચનાઓ
બાળકો અને નવજાતને સીધા તડકાથી બચાવવા, વારંવાર પાણી આપવું અને બંધ ગાડીમાં એકલા ન છોડવા. બીપી, ડાયાબિટીસ કે હૃદયની બીમારી ધરાવતા વૃદ્ધોને ઠંડકવાળા વાતાવરણમાં રાખવા અને તબિયતમાં ફેરફાર જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. કામદારોએ બપોરે ભારે શારીરિક શ્રમ ટાળવો અને કામના સ્થળે શેડ તથા પીવાના પાણીની વ્યવસ્થા રાખવી. મુસાફરોએ લાંબી મુસાફરી દરમિયાન પાણીની બોટલ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી.
હીટ સ્ટ્રોકના લક્ષણો અને પ્રાથમિક ઉપચાર
ખૂબ ઊંચો તાવ, માથામાં અસહ્ય દુખાવો અને ચક્કર, ઊબકા કે ઉલટી, ત્વચા લાલ, ગરમ અને સૂકી થઈ જવી એ હીટ સ્ટ્રોકના લક્ષણો છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં લઈ જવો, શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા, ભાનમાં હોય તો ધીમે-ધીમે પાણી અથવા ORS પીવડાવવું અને તુરંત 108 એમ્બ્યુલન્સની મદદ લેવી.
ઘરને ઠંડુ રાખવાના ઉપાય અને સામાજિક જવાબદારી
દિવસે બારી-બારણાં બંધ રાખી ઘેરા પડદા લગાવવા, સાંજે બારીઓ ખુલ્લી રાખવી. ધાબા પર સફેદ ચૂનો અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવવાથી તાપમાન ઘટાડી શકાય છે. સરકારે નાગરિકોને ઘર બહાર પક્ષીઓ-પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા, ગરમીથી બેભાન વ્યક્તિને મદદ કરવા અને પશુઓને ઠંડી જગ્યાએ રાખવાની અપીલ કરી છે.
હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. ગરમીને હળવાશથી ન લેતા વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સરકારે અનુરોધ કર્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
