તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
રાજ્યમાં સાત દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા નહિવત :ગરમ પવન ફુંકાતા રાત્રે પણ ઉકળાટ યથાવત રહેશે
હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા અપીલ કરી

અમદાવાદ :રાજ્યમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગરમીથી કોઈ ખાસ રાહત મળવાની નથી.રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિવસ દરમિયાન ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે તો રાત્રે પણ ઉકળાટ યથાવત રહેવાની આગાહી છે.
રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થશે પરંતુ તેનાથી ખાસ રાહત નહીં મળે. રાત્રિ દરમિયાન પણ તાપમાન 28થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હોવાથી લોકો ગરમીથી પરેશાન બન્યા છે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે.સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.જ્યારે અમદાવાદમાં પારો 42 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રીએ પહોંચ્યો છે.
સૌરાષ્ટ્રના રાજકોટમાં 41.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસામાં 41.1 ડિગ્રી અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ભુજમાં તાપમાન 40 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી જ્યારે દરિયાકાંઠાના સુરત શહેરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં ભલે તાપમાન ઓછું હોય, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને કારણે દિવસભર ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા અપીલ કરી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
