તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ :સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી
-- અજાણ્યા શખસે ઈમેઈલ મોકલીને આ ભયાનક ધમકી આપતાં જ પોલીસ તંત્રમાં દોડધામ :અમદાવાદ સહિત રાજ્યની તમામ મધ્યસ્થ જેલો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસનો કાફલો તૈનાત કરી સઘન તપાસ શરૂ

અમદાવાદ સહિત રાજ્યભરની સુરક્ષિત ગણાતી જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખસ દ્વારા ઈમેઈલ મારફતે આ ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવતાની સાથે જ રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
જેલ સત્તાધીશોને આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ મળતા જ વહીવટી તંત્રમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તુરંત જ સ્થાનિક પોલીસની ટીમો, ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્ક્વોડને સાબરમતી સહિત રાજ્યની મુખ્ય જેલો પર રવાના કરવામાં આવી હતી. હાલ જેલ પરિસરમાં ખૂણે-ખૂણે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જેલોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા-જતા વાહનો તથા શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન નજર રાખવામાં આવી રહી છે. આ ધમકીભર્યો ઈમેઈલ કયા સ્થળેથી અને કોણે મોકલ્યો છે તે અંગે સાયબર ક્રાઈમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ અફવા ફેલાવનાર કે ધમકી આપનાર શખસ સુધી પહોંચી શકાય.
ગાંધીનગર સ્થિત DGP ઓફિસને એક અત્યંત સંવેદનશીલ અને ધમકીભર્યો ઈમેઈલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં DGP ઓફિસ, કલેક્ટર કચેરી, એક મંદિર તેમજ રાજ્યની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી છે, સાથે જ તેમાં "2008ને ન ભૂલતા" તેવો ભયજનક ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો મેઈલ સામે આવતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યની તમામ જેલો તેમજ મહત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલા સાથે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલી મધ્યસ્થ જેલને પણ આ જ પ્રકારે ઉડાવી દેવાની ધમકી મળતાં સ્થાનિક પોલીસ તંત્ર અને જેલ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું હતું અને તાત્કાલિક સુરક્ષા વધારીને તપાસ શરુ કરવામાં આવી હતી.
ધમકી મળતા જ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા જેલની અંદર આવેલી દરેક બેરેકમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે હાલની સ્થિતિએ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
પાટણ જિલ્લામાં પણ આ ધમકીના પગલે સ્ટેટ કંટ્રોલ દ્વારા મળેલી સૂચના બાદ કલેક્ટર કચેરી ખાતે LCB, SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો દોડી ગઈ હતી, જ્યાં સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓને બહાર રાખીને તમામ વિભાગોમાં ઝીણવટભરી તપાસ કરાઈ હતી અને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
