News of Thursday, 10th September 2026
મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત
ખેડૂતો માટે ખુશખબર, પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ, જે આગામી ૧ મહિના સુધી કાર્યરત રહેશે

અમદાવાદ,તા.૧૦: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સરકારના આગામી આયોજનો અને જનહિતના નિર્ણયોની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોના હિત, વૈશ્વિક સમિટની તૈયારીઓ અને આગામી રાષ્ટ્રીય કાર્યક્રમો અંગે સરકારે સઘન આયોજન હાથ ધર્યું છે.
રાજ્યમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણકારોને આકર્ષવા માટે વિદેશ પ્રવાસ તેમજ મોટા શહેરોમાં રોડ શો નું સફળ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણ વધે તે માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારી વધારવા મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટેના વિવિધ નવા પ્રોજેક્ટ્સને પણ સરકારે લીલી ઝંડી આપી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ગૌરવપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે તારીખ ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કેવડિયા ખાતે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થશે. તે પહેલાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન પ્રતિષ્ઠિત ઈકોનોમી ફોરમ યોજાશે, જેમાં અર્થતંત્રના નિષ્ણાતો ભાગ લેશે.
રાજ્યના ધરતીપુત્રોના આર્થિક હિતને ધ્યાને રાખી સરકારે ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, જે આગામી ૧ મહિના સુધી કાર્યરત રહેશે. મંત્રીએ તમામ પાત્ર ખેડૂતોને સમયસર નોંધણી કરાવી લેવા અપીલ કરી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદની સ્થિતિ અંગે કૃષિ મંત્રી અને સરકારની સજ્જતા સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પશુધન માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી તેમજ સિચાઈ માટે જરૂરી જળ પુરવઠો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમાં વધારાની વીજળી પણ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના નાગરિકો અને ખેડૂતોના હિતમાં સ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય સમયે તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
