તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
વહુને કરિયાવર આપવાની લાલચમાં ચોરી કરી :સુરતના કતારગામમાં કંટારેશ્વર સોસાયટીમાં થયેલી 17.77 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જેઠની દીકરીના પ્રસંગે કબાટ ખોલતા ચોરીનો ખુલાસો થયો:ત્રણ માસ પહેલા રહેવા આવેલી ભાડુઆત ઉષા ટાંકે વહુને કરિયાવર આપવાની લાલચમાં સોનાના ઘરેણાંની ચોરી કરી હોવાની કબૂલાત કરી

સુરત :શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી કંટારેશ્વર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના મોટો ખુલાસો થયો છે. એક મહિલાએ પોતાની પુત્રવધૂને કરિવાર આપવા માટે આ લાખોના સોનાના દાગીનીાની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર કંટારેશ્વર સોસાયટીમાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી.અહીં રહેતા શિલ્પાબેન પદમાણીએ જેઠની દીકરીના ચાંદલાના પ્રસંગ માટે કબાટ ખુલ્યું હતુ. કબાટ ખોલતાંની સાથે જ અંદાજે 17.77 લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ હોવાનું જણાતા સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ મામલે તુરંત કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ગુનાની ગંભીરતા સમજી ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય ઘરમાં જ રહેતી ભાડુઆત મહિલા તરફ ગઈ હતી. માત્ર ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી ઉષા ટાંકે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આરોપી મહિલાએ ઘરના પાછળના દાદરના ભાગેથી પ્રવેશ કરી કબાટમાં રાખેલા લાખોના દાગીનાની ચોરી કરી હતી.
કતારગામ પોલીસની કડક પૂછપરછમાં આરોપી મહિલા ભાંગી પડી હતી અને પોતાની સંડોવણી કબૂલી હતી. મહિલાની કબૂલાતે પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી હતી. આરોપી મહિલાએ જણાવ્યું કે, અગાઉ તેણે પોતાના પુત્રના લગ્ન કર્યા હતા, પરંતુ તે સમયે તે પોતાની પુત્રવધૂને કરિયાવર આપી શકી નહોતી. વહુને કરિયાવરમાં સોનાના દાગીના આપવાની લાલચમાં તેણે આ મોટું સાહસ કર્યું હતું.
હાલમાં પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પુત્રવધૂને ખુશ કરવા જતાં સાસુએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. કતારગામ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
