<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

અમદાવાદ એર કાર્ગોમાંથી કરોડોના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો: બેંગ્લોર મોકલવાના પાર્સલમાંથી કરોડોની ચોરી :1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આખા કૌભાંડમાં આશરે 13 કિલો વજનનું સોનાનું મુખ્ય પાર્સલ બારોબાર સેરવી લેવાયું હતું :એર કાર્ગોના કુલ 7 પાર્સલમાંથી સોનાના દાગીનાની મોટી ઉચાપત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. જોકે, એરપોર્ટ પોલીસે આ મામલે સપાટો બોલાવીને ગણતરીના કલાકોમાં જ આ હાઈપ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનારા સાતિર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, સિક્વલ લોજીસ્ટીક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર મોકલવા માટે એર કાર્ગો મારફતે કિંમતી પાર્સલ બુક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એર કાર્ગોના કુલ 7 પાર્સલમાંથી સોનાના દાગીનાની મોટી ઉચાપત કરવામાં આવી હતી. આ આખા કૌભાંડમાં આશરે 13 કિલો વજનનું સોનાનું મુખ્ય પાર્સલ બારોબાર સેરવી લેવામાં આવ્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટ પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.02 કરોડની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા 69.24 લાખની રોકડ રકમ એમ કુલ મળીને પોલીસે રૂ. 1,72,24,000 (1.72 કરોડથી વધુ)નો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.

કરોડો રૂપિયાના ગોલ્ડ પાર્સલની ચોરીમાં એરપોર્ટ કે, કાર્ગો એજન્સીના જ કોઈ અંદરના ભેદુની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(7:50 PM IST)