તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
કડી પંથકમાં તસ્કરોનો આતંક યથાવત : ખાવડ ગામમાં ખેડૂત પરિવારના બંધ મકાનમાં લોખંડની તિજોરી તોડી લાખોની ચોરી
ખેડૂત પોતાની પત્નીના ઓપરેશન માટે પરિવાર સાથે અમદાવાદ ગયા ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કડીના ખાવડ ગામમાં રહેતા એક ખેડૂત પરિવારને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તા પર હાથ સાફ કર્યો છે. ફરિયાદી ખેડૂત પોતાની પત્નીના ઓપરેશન માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હતા, ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી લોખંડની તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી રોકડ રકમ ૫૦ હજાર અને અંદાજે ૧ લાખ રૂપિયાના ચાંદીના દાગીના સહિત કુલ ૧.૫૦ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ માત્ર એકલી ઘટના નથી, પરંતુ તસ્કરોએ તે જ રાત્રે ગામના રણછોડપુરા વાસમાં પણ એક અન્ય બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. એક જ વિસ્તારમાં બે મકાનોના તાળા તૂટતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સતત બની રહેલી ચોરીની ઘટનાઓને કારણે લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ બાવલુ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાવલુ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઈ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
