તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સુરત વેસુમાં ધોળા દિવસે ગુંડાગીરીનો આતંક: બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો અને પટ્ટાબાજી, લુખ્ખા તત્વોએ પોલીસના ડર વગર મચાવ્યો ભારે ઉત્પાત
વેસુના પોશ વિસ્તાર ગણાતા આંબેડકર નગરમાં અસામાજિક તત્વો બેફામ બનતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા: હિંસક અથડામણના લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરત, તા.૦૪: ડાયમંડ સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવા દ્રશ્યો આજે વેસુ જેવા પોશ વિસ્તારમાં જોવા મળ્યા હતા. વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અચાનક અસામાજિક તત્વોના બે જૂથો આમને-સામને આવી ગયા હતા. કોઈ નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
જાહેરમાં પટ્ટાબાજી અને પથ્થરમારો
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, અસામાજિક તત્વો હાથમાં પટ્ટા અને પથ્થરો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. ધોળા દિવસે જાહેરમાં થયેલા આ હિંસક ખેલને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભયના માર્યા આમતેમ ભાગવા લાગ્યા હતા. આ લુખ્ખા તત્વોમાં પોલીસનો જરા પણ ડર હોય તેવું દેખાતું નહોતું. રસ્તા પર ખુલ્લેઆમ પથ્થરો ફેંકવામાં આવતા હોવાથી આસપાસની દુકાનોના શટર પણ ટપોટપ પડી ગયા હતા.
વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું
આ સમગ્ર મારામારીના દ્રશ્યો ત્યાં હાજર રહેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સ્માર્ટ સિટીની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ટોળું કાયદો હાથમાં લઈને આતંક મચાવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગના તોફાની તત્વો ફરાર થઈ ગયા હતા.
રહીશોમાં ફફડાટ અને આક્રોશ
વેસુ જેવા રહેણાંક વિસ્તારમાં અવારનવાર થતી આવી માથાકૂટોને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અસામાજિક તત્વો અવારનવાર અહીં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. હાલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તોફાનીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે ખાખીનો ખોફ આ ગુંડાતત્વો પર ક્યારે જોવા મળશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
