તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
વડોદરામાં ‘આપ’ના સંગઠનમાં ભયાનક ગાબડું: પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સહિત 40 દિગ્ગજ નેતાઓ ‘ઝાડુ’ છોડી ‘કમળ’માં જોડાયા!
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વડોદરામાં મોટો રાજકીય ઉલટફેર: "પિયરમાં પાછી આવી છું" - ભાજપમાં જોડાતા શીતલ ઉપાધ્યાય થયા ભાવુક, અકોટા અને માંજલપુરના ગઢમાં ભાજપ વધુ મજબૂત

વડોદરા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. વડોદરા ‘આપ’ના અગ્રણી ચહેરા અને રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાયે પોતાના 40 થી વધુ હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો સાથે આજે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો છે. વડોદરા ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં આ તમામ નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
"દીકરી પિયરમાં પાછી ફરી" - શીતલ ઉપાધ્યાય
ભાજપમાં પુનરાગમન કરતા જ શીતલ ઉપાધ્યાય ભાવુક જોવા મળ્યા હતા. તેમણે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી મારું બાળપણનું ઘર છે. આજે મને એવું લાગે છે કે જાણે દીકરી પિયરમાં પાછી આવી હોય." તેમણે વધુમાં ઉમેર્યું કે સંજોગોવશાત અલગ થવું પડ્યું હતું, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિમાં જોડાઈને નિષ્ઠાપૂર્વક કામ કરવાની નેમ છે. ખાસ વાત એ છે કે તેમણે કોઈ પણ પદ કે ટિકિટની માંગણી વગર પક્ષમાં વાપસી કરી છે.
દિગ્ગજ કાર્યકરોનો ભાજપમાં જમાવડો
શીતલ ઉપાધ્યાયની સાથે દર્શન રાવલ, સંદીપ રાવલ, અરવિંદ મૌર્ય, રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલ જેવા પાયાના અને મજબૂત કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સિવાય મનીષગીરી ગોસ્વામી અને વિઠ્ઠલ આયર જેવા નેતાઓ જોડાતા ખાસ કરીને અકોટા અને માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સાવ વિખેરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ચૂંટણી પૂર્વે ભાજપનું રણશિંગુ
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આ પ્રસંગને વિશેષ ગણાવતા કહ્યું કે, ભાજપની રાષ્ટ્રહિતની વિચારધારાથી પ્રેરાઈને આજે અનેક લોકો પરિવારમાં પાછા ફર્યા છે. આ પ્રસંગે તેમણે મહિલા આરક્ષણના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ‘આપ’ના મજબૂત ગઢમાં આ ગાબડું પડતા વડોદરાના રાજકીય સમીકરણો પૂરેપૂરા બદલાઈ ગયા છે. ભાજપ હવે વધુ આક્રમક રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
