<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સુરતમાં મેઘતાંડવની ભયાનક આગાહી : રાત્રે 11થી સવારે 4 વાગ્યા સુધી ‘આફત’ સામે રેડ એલર્ટના પગલે તંત્રની સાવચેત રહેવા અપીલ

લોકોને રાત્રે 9:30 વાગ્યા પહેલાં પોતાના ઘરે પહોંચી જવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા પણ અપીલ :માલસામાન ઊંચી જગ્યાએ ખસેડવા સૂચના

સુરત શહેરમાં મોડી રાત્રે અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી અતિભારે વરસાદ પડી શકે છે. અગાઉના વરસાદ કરતાં પણ વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાએ લોકોને રાત્રે 9:30 વાગ્યા પહેલાં પોતાના ઘરે પહોંચી જવાની અપીલ કરી છે. આ ઉપરાંત રાત્રે 9:30 વાગ્યા પછી બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ માર્કેટ અને અન્ય વ્યવસાયિક વિસ્તારોને વહેલા બંધ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી કર્મચારીઓ સમયસર પોતાના ઘરે પહોંચી શકે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ખાસ સાવચેત રહેવા માટે જણાવાયું છે.

તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો અને વ્યવસાયિક એકમોને પોતાનો માલસામાન ઊંચી જગ્યાએ ખસેડવા જણાવ્યું છે. વેપારીઓ અને સ્થાનિક લોકોને સંભવિત પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે. જોકે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોને નદી, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી છે.

(9:16 PM IST)