તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ગુજરાત વિધાનસભાની મુદત પૂરી પાંચ વર્ષની જ રહેશે
‘વન નેશન, વન ઇલેક્શન' સંભવતઃ ૨૦૨૯માં લાગુ પડશે તો પણ ૨૦૩૨માં વિધાનસભાની મુદત ત્રણ વર્ષની હશેઃ જેપીસી ચેરમેન : ગુજરાતની દ્રષ્ટીએ જોઇએ તો ૨૦૨૭માં જે ચૂંટણી યોજાશે એની મુદત ૨૦૩૨માં પૂરી થશે પરંતુ ૨૦૩૨માં જે વિધાનસભાની રચના થશે તેની મુદત ત્રણ વર્ષની હશે

અમદાવાદ તા.૨૨: વન નેશન વન ઇલેક્શનને આગામી વર્ષ ૨૦૨૯માં લાગુ કરવામાં આવે તો પણ ગુજરાત વિધાનસભાની આગામી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણી બાદ રચનાર વિધાનસભાની મુદત ૨૦૨૯માં જ પૂરી થઇ જશે તેવી પ્રવર્તી રહેલી શક્યતાઓને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ના ચેરમેન પી.પી. ચૌધરીએ નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ૨૦૨૭માં રચાનાર વિધાનસભા તેની પૂરેપૂરી પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે. સંસદ દ્વારા સૂચિત બિલને પસાર કરવામાં આવે તો તેનો અમલ ૨૦૨૯થી લાગુ થશે, પરંતુ તેનો મતલબ એ નથી કે એ વખતે જે રાજ્યોની વિધાનસભાની મુદત બાકી હોય કે પૂરી થવાની તૈયારીમાં હોય એ બધાની ચૂંટણીઓ લોકસભા સાથે થશે. આ સુધારાના અમલ માટે પાંચ વર્ષનો સમયગાળો રહેશે એટલે કે ૨૦૩૪થી દેશમાં લોકસભા સાથે જ વિધાનસભાઓની ચૂંટણીઓ થશે. આમ, ગુજરાતની દ્રષ્ટીએ જોઇએ તો ૨૦૨૭માં જે ચૂંટણી યોજાશે એની મુદત ૨૦૩૨માં પૂરી થશે. પરંતુ ૨૦૩૨માં જે વિધાનસભાની રચના થશે તેની મુદત ત્રણ વર્ષની હશે.
‘વન નેશન, વન ઇલેક્શન' સંબંધિત બંધારણમાં ૧૨૯મો સુધારો કરતાં બિલ સંદર્ભમાં દેશભરના રાજ્યો, રાજકીય પક્ષો, સંબંધિત પક્ષકારોના મંતવ્યો અને પ્રશ્નો, મુશ્કેલીઓનો અભ્યાસ કરી એક સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરવા માટે સંસદ દ્વારા કાયદાવિદ અને સાંસદ પી.પી. ચૌધરીના વડપણ હેઠળ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની રચના કરવામાં આવી છે. આ કમિટી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ અને સંબંધિત અધિકારીઓ, કાયદાના નિષ્ણાતો, વરિષ્ઠ મીડિયા કર્મીઓ સહિતના સંબંધિત પક્ષકારો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ બાદ પત્રકાર પરિષદમાં ચૌધરીએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધેયકને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.
ચૌધરીએ કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના વડપણ હેઠળની કમિટીએ વિસ્તૃત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ આપ્યો હતો તેના આધારે વન નેશન વન ઇલેક્શન વિધેયક સંસદમાં રજૂ થયું હતું. દેશમાં વારંવાર ચૂંટણીઓથી ૭ લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર અને સરકારોને નુકશાન સહન કરવું પડે છે. દેશ જ્યારે ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે રાજ્યો અને દેશના તંત્રને આ નુકશાન પરવડે એમ નથી. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇલેક્શન રિફોર્મ માટે પહેલ કરી છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી ૧૯૬૭ સુધી ચાર લોકસભા ચૂંટણીઓ સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઇ હતી. એ વખતે હાલ જેવા માધ્યમો ન હતા અને ઇવીએમના બદલે બેલેટથી ચૂંટણીઓ થતી હતી, તેમ છતાંય મતદારો પ્રમાણમાં પરિપક્વ હોવાથી પોતાના રાજ્ય અને દેશમાં પોતાની સરકારની પસંદગી કરતા હતા.
તેમણે કાયદા નિષ્ણાતો, કાયદા સંસ્થાઓના, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથેના સંવાદમાં ઉપસ્થિત થયેલા મુદ્દા અંગે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક સાથે યોજાઇ અને સૌએ એમાં પરિવકવતા સાથે પોતાના પસંદગીના ઉમેદવારો, પક્ષોને મત આપ્યા છે તેનું ઉદાહરણ આપ્યું હતું. હવેનો મતદાર ઘણો પરિપકવ થઇ ગયો છે. દિલ્હીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, મતદારોએ રાજ્યમાં અન્ય પક્ષની સરકારને મત આપ્યા, પરંતુ લોકસભા માટે બીજા પક્ષને મત આપ્યા હતા. આવું બીજા રાજ્યોમાં પણ થયું છે.
જેપીસી સમક્ષ રજૂઆત કરતાં કોનફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)એ રજૂઆત કરી હતી કે ગુજરાત વિકસિત રાજ્ય છે અને વ્યાપક સ્તરે બીજા રાજ્યોના શ્રમિકો અહીં કામ કરે છે. પરંતુ એમના વતનના રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે તેઓ મતદાન માટે ત્યાં જાય છે એમાં અહીં ઉત્પાદન પર મોટી અસર પડે છે. એટલે એમને ઇ વોટિગની સુવિધા આપવી જોઇએ. સીઆઇઆઇ, એસોચેમ અને ગુજરાત વેપારી મહામંડળ જેવા સંગઠનોએ એક સાથે ચૂંટણીના વિધેયકને સમર્થન આપ્યું હતું.
જેપીસી ચેરમેન ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધીમાં અમે પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત છ રાજ્યોનો પ્રવાસ કર્યો છે. સાતમુ રાજ્ય ગુજરાત છે. પરંતુ ગુજરાતના મુખ્યસચિવ એમ.કે. દાસ અને એમની ટીમે પ્રસ્તુત કરેલુ પ્રેઝન્ટેશન એ સૌથી સારું હતું. જોકે, કેટલાક મુદ્દાઓ સાથે તેને વધારે અપડેટ કરીને કમિટીને આપવા અમે સૂચના આપી છે. આ પ્રેઝન્ટેશનને અમે અન્ય રાજ્યોને અનુસરવા કહીશું.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
