તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
વડોદરાના વાઘોડિયા રોડ પર દુકાન આપવાના નામે સુરત મેટ્રો કર્મચારી સાથે દસ લાખ રૂપિયાની મસમોટી છેતરપિંડી
સિદ્ધિશ્વર પેરાડાઇઝ પ્રોજેક્ટમાં દુકાનનું બુકિંગ કરાવીને કબજો કે નાણાં પરત ન આપીને ફરાર થયેલા બિલ્ડરો સામે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

વડોદરા : વડોદરા શહેરમાં નાગરિકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વાઘોડિયા રોડ પર દુકાન આપવાની લાલચ આપીને સુરત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરી કરતા એક યુવક સાથે રૂ. 10 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર માલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ મહીસાગરના અને હાલ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા આકાશ પટેલે વર્ષ 2024 દરમિયાન વાઘોડિયા રોડ પર આવેલા સિદ્ધિશ્વર પેરાડાઇઝ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. આ દુકાનની કુલ કિંમત રૂ. 30,30,500 નક્કી કરવામાં આવી હતી.
બિલ્ડર પ્રવિણભાઈ પાનસુરીયા અને સેલ્સમેન જયેશ પામકે ડિસેમ્બર 2024 સુધીમાં બાંધકામ પૂર્ણ કરીને દુકાનનો પ્રત્યક્ષ કબજો સોંપવાની પાકી ખાતરી આપી હતી. આ વિશ્વાસમાં આવીને આકાશ પટેલે બુકિંગ તેમજ એડવાન્સ પેટે તબક્કાવાર રોકડ તેમજ આરટીજીએસ અને એનેઈએફટી મારફતે કુલ રૂ. 10 લાખ ચૂકવી દીધા હતા. નક્કી કરેલા સમયગાળા દરમિયાન પ્રોજેક્ટનું કામ આગળ ન વધતાં ફરિયાદીએ સંબંધિત બિલ્ડરોનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં ચોમાસાના કારણે કામમાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ રેરા મંજૂરીનું કારણ આગળ ધરીને વધુ સમય માંગવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સમગ્ર પરિસ્થિતિ શંકાસ્પદ જણાતા આકાશ પટેલે પોતાના ચૂકવેલા રૂ. 10 લાખ પાછા માંગ્યા હતા. જોકે ત્યારબાદ આરોપીઓએ ફોન ઉપાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને એટલું જ નહીં પરંતુ ઓફિસ તેમજ ઘર પણ બંધ હોવાનું જાણવા મળતાં આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં આરોપી બિલ્ડરોના અગાઉના ગુનાહિત ઇતિહાસની વિગતો પણ બહાર આવી છે. પોલીસના જણાવ્યા મુજબ એસ પી ઇન્ફ્રાના ભાગીદારો સુરેશ, મનિષ, કિશોર અને પ્રવિણભાઈ પાનસુરીયા સામે અગાઉ પણ મિલકત સંબંધિત છેતરપિંડીના કેસો હરણી અને બાપોદ પોલીસ મથકોમાં નોંધાયેલા છે.
આ પૈકી સુરેશ અને મનિષની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે પ્રવિણભાઈ અને કિશોર હાલ ફરાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દસ લાખ રૂપિયાની આ છેતરપિંડી અંગે બાપોદ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દુકાનના બુકિંગના નામે મોટી રકમ ચૂકવ્યા બાદ સમયસર દસ્તાવેજ કે કબજો ન મળતા અને નાણાં પણ પરત ન મળતા આ આખી ફરિયાદ નોંધાવા પામી છે. હવે પોલીસ તપાસમાં આ પ્રોજેક્ટમાં અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારે કોઈ છેતરપિંડી થઈ છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ થવાની પૂરેપૂરી શક્યતા છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
