<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં ફરજ બજાવતા ઝડપાતા ચકચાર

શિક્ષક દારૂ પીને ક્લાસરૂમમાં બેઠા હોવાનું સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે રોષ

અરવલ્લીના મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં એક શિક્ષક નશાની હાલતમાં ફરજ બજાવતા રંગેહાથ ઝડપાયા છે.શિક્ષક દારૂ પીને ક્લાસરૂમમાં બેઠા હોવાનું સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં શિક્ષકોની નૈતિકતા અને શિસ્ત સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

આ અંગે મળતી વિગત મુજબ મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં ફરજ બજાવતા શિક્ષક યશવંત કડિયા આજે ચાલુ શાળાએ નશાની હાલતમાં જોવા મળ્યા હતા.ભૂલકાઓને ભણાવવાને બદલે આ શિક્ષક દારૂના નશામાં ધૂત થઈને ક્લાસરૂમમાં જ બેસી રહ્યા હતા. નાના બાળકો સામે જ એક શિક્ષકનું આવું ગેરવર્તન જોઈને અન્ય સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. શિક્ષકની આવી હાલત જોઈને શાળાના અન્ય જાગૃત શિક્ષકોએ જરા પણ સંકોચ રાખ્યા વગર કડક પગલું ભર્યું હતું. યશવંત કડિયાની હાલત જોઈ અન્ય શિક્ષકોએ તાત્કાલિક મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા શિક્ષક ખરેખર નશાની હાલતમાં મળી આવ્યા હતા.

મોડાસા રૂરલ પોલીસે નશામાં ધૂત શિક્ષક યશવંત કડિયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે શિક્ષકનું બ્લડ સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે અન્ય ગુલ્લીબાજ અને બેજવાબદાર શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. 

(10:24 PM IST)