<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

તાપી કલેક્ટરની મહેસૂલી અધિકારીઓને તાકીદ:નક્કી સમયમર્યાદામાં મહેસૂલી કામગીરી પૂર્ણ કરવા દેવ ચૌધરીનો નિર્દેશ

જનસેવા કેન્દ્રોમાં આવતા નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને હકારાત્મક નિકાલ થાય તે માટે અધિકારીઓએ સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો

  

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મહેસૂલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જમીન સંબંધિત કેસો, ગણોતધારા, લેન્ડ ગ્રેબિંગ, ઈ-ધરા કામગીરી, સરકારી જમીન પરના દબાણો, સીટી સર્વે વિસ્તાર તેમજ સરકારી બાકી વસુલાત જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટર દેવ ચૌધરીએ અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં તમામ મહેસૂલી કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે. જનસેવા કેન્દ્રોમાં આવતા નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને હકારાત્મક નિકાલ થાય તે માટે અધિકારીઓએ સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
જમીન સંબંધિત કેસોમાં કોર્ટના આદેશોનું પાલન કરવા તેમજ અરજદારોને સમયસર માહિતી ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા પણ કલેક્ટરે સૂચના આપી હતી. જમીન માપણીના વિવાદોમાં બંને પક્ષોને સમજાવી સમાધાનપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.
કલેક્ટરે વધુમાં કહ્યું હતું કે, “હકારાત્મક અભિગમ અને ટીમવર્ક સાથે કામ કરવામાં આવશે તો તાપી જિલ્લો રાજ્યમાં મોખરે રહી શકશે.”
30 જૂન સુધી લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના
બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડેએ જણાવ્યું હતું કે જમીન માપણી સંબંધિત લક્ષ્યાંકો 30 જૂન સુધી પૂર્ણ કરવા મામલતદારો અને ડી.આઈ.એલ.આરને સૂચનાઓ આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી વસુલાત અંતર્ગત ₹25.46 લાખની માંગણી સામે અંદાજે ₹20 લાખની વસુલાત કરવામાં આવી છે.
જમીન ડિજિટલાઈઝેશન પ્રક્રિયા ચાલુ
ડી.આઈ.એલ.આર. બી.એલ. બિરહાડેએ બેઠકમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ જમીનના રેકોર્ડની ડિજિટલાઈઝેશન પ્રક્રિયા ચાલી રહી છે અને કબજેદારોને નોટિસ પાઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે વાદી અને પ્રતિવાદી વચ્ચે સહમતી ન બને તેવા કેસોમાં રોજકામ તૈયાર કરી કોર્ટને જાણ કરવામાં આવે છે

(1:35 PM IST)