<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂ.૪.૦૭ લાખની લાંચ લેતા ખાનગી વચેટિયો એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો

શાહીબાગ સ્વામિનારાયણ મંદિર નજીક એસીબીનું સફળ ટ્રેપ : ફરિયાદી અને સાક્ષી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ટીમે પંડ્યા સુરેશકુમારને દબોચી લીધો

અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવી આપવાની લાલચ આપીને નાગરિકો પાસેથી લાખો રૂપિયાની લાંચ પડાવતા એક ખાનગી વચેટિયા સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી લાલ આંખ કરી છે. શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના ગેટ નંબર-૩ પાસે ગોઠવેલા લાંચના છટકામાં એસીબીની ટીમે રૂ.૪,૦૭,૫૦૦ ની લાંચની રકમ સાથે આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો છે.

ઘટના અને ગુનાની વિગત:
મળતી વિગતો અનુસાર, આ કેસમાં પકડાયેલ આરોપી પંડ્યા સુરેશકુમાર દશરથભાઈ (રહે. ૭૬, હરિચંન્દ્ર પાર્ક, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ) એક ખાનગી વ્યક્તિ તરીકે વચેટિયાનું કામ કરતો હતો. આ કેસના ફરિયાદી જાગૃત નાગરિકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવા અગાઉ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમને મકાન ફાળવવામાં આવ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી આરોપી સુરેશકુમારના સંપર્કમાં આવ્યા હતા.

આરોપીએ યોજનામાં સેટિંગ કરી મકાન અપાવવાનો ભરોસો આપી ફરિયાદી પાસેથી અગાઉ રૂ.૩,૮૨,૫૦૦ લાંચ પેટે મેળવી લીધા હતા. આ ઉપરાંત, અન્ય એક સાક્ષીને પણ આ જ યોજના હેઠળ મકાન અપાવવાની ખાતરી આપી તેમની પાસે રૂ.૫,૭૫,૦૦૦ ની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ.૪,૦૭,૫૦૦ ની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી.

એસીબીનું સફળ ટ્રેપ અને કાર્યવાહી:
ફરિયાદી તથા સાક્ષી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એ.સી.બી.નો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ નંબર-૩ ની પાસે આવેલી સીડી ઉપર લાંચનું છટકાંનું આયોજન કર્યું હતું.

આયોજન મુજબ આરોપી પંડ્યા સુરેશકુમારે ફરિયાદી પાસેથી રૂ.૪,૦૭,૫૦૦ ની લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ વોચમાં રહેલી એસીબીની ટીમે તેને કોર્ડન કરીને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા લાંચની તમામ રૂ.૪,૦૭,૫૦૦ ની રકમ રિકવર કરી લેવામાં આવી છે.

ટ્રેપિંગ અધિકારી:
આ સફળ ટ્રેપિંગ કામગીરી એસીબી ફિલ્ડ-૩ (ઇન્ટેવિંગ), ગુજરાત રાજ્ય, અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.મહેતા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખો રૂપિયાની લાંચિયા વચેટિયાની ધરપકડથી કૌભાંડીઓમાં ભારે ફાળ પડી છે.

(7:30 PM IST)