<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

અમદાવાદીઓ માટે ઉનાળાની મીઠી ભેટ : વસ્ત્રાપુર હાટમાં આવતીકાલથી 'કેસર કેરી મહોત્સવ-૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે : ગીર, કચ્છ અને વલસાડના ખેડૂતો ૧૦૦ સ્ટોલ પરથી કાર્બાઇડ મુક્ત કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરાશે

 અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો માટે ઉનાળાની આકરી ગરમીમાં મીઠાશ ભેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વસ્ત્રાપુર હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે અને શહેરીજનોને શુદ્ધ, રસાયણમુક્ત ફળો મળે તેવા આશય સાથે ગુજરાત એગ્રો દ્વારા આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનો આવતીકાલે ૧૬ મે, ૨૦૨૬ના રોજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે.

 

 સીધી ખેતરથી ઘર સુધી: ૧૦૦ સ્ટોલ પરથી વેચાણ:

આ મહોત્સવમાં કુલ ૧૦૦ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જે વિવિધ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ FPO અને વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ૮૫ સ્ટોલ પર કેરી અને ૧૫ સ્ટોલ પર GI ટેગ ધરાવતી ખારેકનું વેચાણ થશે. આ મહોત્સવમાં ૧૫ જૂન સુધી કેસર કેરી ઉપલબ્ધ રહેશે, જ્યારે ૧૬ જૂનથી ૨૫ જૂન દરમિયાન કચ્છની સુપ્રસિદ્ધ GI ટેગ પ્રાપ્ત ખારેકનું સીધું વેચાણ કરવામાં આવશે.

 

 કાર્બાઇડ મુક્ત અને તાજી કેરીનું આકર્ષણ:

નગરજનો આ મહોત્સવમાં તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારીની વિખ્યાત કેરીઓ સીધી ખેડૂતો પાસેથી ખરીદી શકશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને કાર્બાઇડ મુક્ત અને પ્રાકૃતિક રીતે પકવેલી કેરી પૂરી પાડવાનો છે. આ મહોત્સવ ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદનું માધ્યમ બનશે, જેનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ખેડૂતોની આવક બમણી કરવાની ઝુંબેશને વેગ મળશે.

 

 વર્ષ ૨૦૨૫માં નોંધાયું હતું વિક્રમી વેચાણ:

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત થઈ હતી. વર્ષ ૨૦૨૫માં યોજાયેલા મહોત્સવ દરમિયાન અમદાવાદીઓએ એક જ મહિનામાં ૪ કરોડ રૂપિયાની કિંમતની ૩.૩૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીની વિક્રમી ખરીદી કરી હતી. તેવી જ રીતે, સુરત ખાતે યોજાયેલા પાંચ દિવસીય મહોત્સવમાં પણ ૭.૮૪ લાખ રૂપિયાની કેરીનું વેચાણ થયું હતું. આ વર્ષે પણ કેરીની સાથે ખારેકનું વિશેષ આકર્ષણ હોવાથી મોટા પ્રમાણમાં વેચાણ થાય તેવી શક્યતા છે.

 

 ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો પ્રયાસ:

ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો મધ્યસ્થીઓ વિના સીધા ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર આવા મંચ પૂરા પાડે છે. આ આયોજનથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે અને શહેરી ગ્રાહકોને વાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાના ફળો પ્રાપ્ત થાય છે. આવતીકાલથી શરૂ થતો આ મહોત્સવ અમદાવાદીઓ માટે ઉનાળાની ઉત્તમ જ્યાફત સાબિત થશે.

(4:36 PM IST)