તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
સુરત યુવા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવ્યો :કાર્યકરોની અટકાયત
ચૂંટણી પંચની કામકાજ શૈલી સામે સવાલો ઉઠાવીને કાર્યકરોએ પંચ નિષ્પક્ષ રહીને કામ ન કરતું હોવાનો આક્ષેપ કર્યો

સુરત શહેરમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવતા યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસી કાર્યકરોએ કમિશનરના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક રૂખ અપનાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું દહન કરવાની સાથેસાથે ટાયરો સળગાવીને પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ચૂંટણી પંચની કામકાજ શૈલી સામે સવાલો ઉઠાવીને કાર્યકરોએ પંચ નિષ્પક્ષ રહીને કામ ન કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે યુવા કોંગ્રેસના કેટલાક મુખ્ય હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોની અટકાયત કરી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ કાફલાએ સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અટકાયતની આ કાર્યવાહી છતાં સુરત યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દે આગામી દિવસોમાં આ આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર બનાવવામાં આવશે, જેથી લોકશાહીના મૂલ્યોની રક્ષા થઈ શકે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
