તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સુરત ચાલુ વરસાદે BRTS રૂટમાં રોંગ સાઈડ ઘૂસી ST બસ : એમ્બ્યુલન્સનો રસ્તો રોકાયો : ભેસ્તાનમાં બીઆરટીએસ રૂટ પર સાયરન છતાં રસ્તો ન મળતાં એમ્બ્યુલન્સને રિવર્સ લેવાની ફરજ પડી : ટ્રાફિક શિસ્ત સામે ગંભીર સવાલો
રોંગ સાઈડ ડ્રાઇવિંગ જીવલેણ અકસ્માતનું કારણ બને અને ઈમરજન્સી સેવાઓને અવરોધ ન થાય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા માંગ

સુરત તા.૨૧ : સુરત શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે ભેસ્તાન વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ભંગની ગંભીર ઘટના સામે આવી છે. BRTSના રૂટમાં એક ST બસ રોંગ સાઈડ ઘૂસી આવતા ઈમરજન્સી સેવા આપી રહેલી એમ્બ્યુલન્સનો રસ્તો અટવાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સાયરન વગાડવા છતાં એમ્બ્યુલન્સને આગળ જવાનો માર્ગ ન મળતા ચાલકે મજબૂરીમાં વાહનને લાંબા અંતર સુધી રિવર્સમાં લેવું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરમાં સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. આવા સંજોગોમાં ભેસ્તાન વિસ્તારમાં BRTSના નિર્ધારિત રૂટમાં એક ST બસ નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં પ્રવેશી ગઈ હતી.
તે દરમિયાન પોતાના રૂટ પર દર્દીને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ સામેથી આવી હતી. એમ્બ્યુલન્સના ચાલકે સતત સાયરન વગાડી રસ્તો આપવા અપીલ કરી હતી, પરંતુ BRTSનો રૂટ સાંકડો હોવાથી અને ST બસ સામે જ ઊભી રહેતાં એમ્બ્યુલન્સ માટે આગળ વધવું અશક્ય બન્યું હતું.
આક્ષેપ મુજબ, બસને પાછળ ન લેવાતા આખરે એમ્બ્યુલન્સના ચાલકે ભારે વરસાદ અને પાણી ભરાયેલા માર્ગ વચ્ચે વાહનને લાંબા અંતર સુધી રિવર્સમાં લેવું પડ્યું હતું. જેના કારણે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો હોવાની ચર્ચા છે.
આ ઘટનાએ વરસાદી પરિસ્થિતિમાં ટ્રાફિક નિયમોના પાલન અને ઈમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપવાના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને સરકારી બસ દ્વારા BRTS જેવા વિશિષ્ટ કોરિડોરમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરાયાની ઘટનાને લઈને વાહનચાલકો અને નાગરિકોમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસા દરમિયાન ઓછી વિઝિબિલિટી અને પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે રોંગ સાઈડ ડ્રાઇવિંગ જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે. તેથી ઈમરજન્સી સેવાઓને અવરોધ ન થાય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
