<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સુરત એસઓજીની મોટી કાર્યવાહી : લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સુમિત ઉર્ફે કાળીયો ડાભી અને અંકીત ઉર્ફે ટેણીયો બંગાળીને દબોચી લીધા

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એએસ સોનારાની ટીમે બાતમીના આધારે રાંદેર અને પંડોળ વિસ્તારમાંથી બે રીઢા આરોપીઓની કરી ધરપકડ

 સુરત:  સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરના તેમજ અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમ (એસ.ઓ.જી.) ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.સોનારાની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

 

 રાંદેર ઉગત કેનાલ રોડ પરથી પ્રથમ આરોપી ઝડપાયો:

એસ.ઓ.જી.ની ટીમના માણસો દ્વારા નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાંદેર ઉગત કેનાલ રોડ ખાતેથી આરોપી સુમિત ઉર્ફે કાળીયો ગીરીશભાઈ ડાભી (ઉંમર વર્ષ ૨૦, રહે. ઘર નં ૫૧, મેઘવાડ કોલોની, વસ્તા દેવડી રોડ, સુરત) ને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના (રજી.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૩૧૩/૨૦૨૪) જેમાં આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ અને એટ્રોસીટી એક્ટ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો હતો.

 

 પંડોળ વિસ્તારમાંથી બીજો આરોપી જેલભેગો:

બીજી એક સફળ કામગીરીમાં, એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈને મળેલી બાતમીના આધારે પંડોળ પટેલ પરફ્યુમ પાસેથી આરોપી અંકીત ઉર્ફે ટેણીયો બંગાળી મીલનભા સકસેના (ઉંમર વર્ષ ૨૧, રહે. ઝુપડ પટ્ટીમાં, રહેમનનગર, પંડોળ પોલીસ ચોકી પાસે, ચોક બજાર, સુરત) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટીંગ અને અન્ય ગંભીર કલમો (ગુના રજી.નં. ૧૧૨૧૦૦૬૩૨૪૦૧૪૮/૨૦૨૪) હેઠળ નાસતો ફરતો હતો. તેના પર ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયેલો હતો.

 

એસ.ઓ.જી. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:25 PM IST)