<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

સુરત ગ્રામ્ય પોલીસનો સપાટો :10 દિવસની સ્પેશિયલ ડ્રાઇવમાં બળાત્કાર, લૂંટ અને ચોરીના 55 વોન્ટેડ ગુનેગારો દબોચી લેવાયા

કેટલાક આરોપીઓ છેલ્લા 6 થી 7 વર્ષથી કાયદાની પકડમાંથી ભાગતા હતા:પોલીસની જુદી-જુદી ટીમોએ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ તમામ વચગાળાના જામીન પરથી ફરાર કે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢ્યા

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 10 દિવસની એક ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ટૂંકા ગાળાની કવાયતમાં પોલીસ તંત્રને એક ખૂબ જ મોટી અને અભૂતપૂર્વ સફળતા મળી છે.

 

આ આક્રમક પોલીસ ઓપરેશન હેઠળ અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 55 જેટલા વોન્ટેડ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પકડાયેલા ગુનેગારોની પ્રોફાઈલ જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આમાં કેટલાક આરોપીઓ છેલ્લા 6 થી 7 વર્ષ જેટલા લાંબા સમયથી કાયદાની પકડમાંથી ભાગતા ફરતા હતા. પોલીસની જુદી-જુદી ટીમોએ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ તમામ વચગાળાના જામીન પરથી ફરાર કે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢ્યા છે.

 

પકડાયેલા આ શાતિર અપરાધીઓ માત્ર નાની-મોટી ચોરીઓ પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ તેઓ બળાત્કાર જેવા જઘન્ય અને ગંભીર ગુનાઓ ઉપરાંત લૂંટફાટ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સીધી રીતે સંડોવાયેલા હતા. આ સફળ ઓપરેશનના કારણે ગુનેગાર આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાએ આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવનારી તમામ પોલીસ ટીમો અને અધિકારીઓની પીઠ થાબડીને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

(2:05 PM IST)