તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 3rd October 2026
સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા: કીમ ગામે ₹૧૪.૨૮ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પરસેવાની કમાણી પરત મળતાં પીડિત મહિલા ભાવુક
મહારાષ્ટ્રથી આરોપી અને સોનાના દાગીના ગાળી નાખનાર સોનીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરાયો; પીડિત મહિલાએ ગૃહરાજ્ય મંત્રીનો આભાર માન્યો.

સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે ફૂલ વેચીને ગુજરાન ચલાવતા ગરીબ મહિલાના ઘરેથી થયેલી ₹૧૪.૨૮ લાખની મત્તાની ચોરીનો ગુનો ઉકેલવામાં સુરત ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવી મહારાષ્ટ્રના જલગાંવથી મુખ્ય આરોપી તેમજ ચોરાયેલું સોનું ખરીદનાર સોનીની ધરપકડ કરી હતી. ચોરી થયેલી તમામ રકમ રિકવર કરી મહિલાને પરત સોંપવામાં આવતાં પીડિત પરિવારે પોલીસ પ્રશાસન અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બનાવની વિગતો અનુસાર, કીમ ખાતે રણછોડનગર સ્થિત હનુમાનજી મંદિર પાસે ફૂલો વેચીને પરિવારનું પેટ ભરતા અલકાબેન વસંતભાઈ માળીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરનો કબાટ તોડીને રોકડ રકમ તથા સોના-ચાંદીના કિંમતી દાગીના મળી કુલ ₹૧૪.૨૮ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.
પોલીસ ટીમે પીડિત મહિલાને સાંત્વના આપીને તેમની પરસેવાની કમાણી ગમે તે ભોગે શોધી કાઢવાની બાંહેધરી આપી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોર મહારાષ્ટ્રના જલગાંવમાં હોવાના સુચડ સુરાગ મળ્યા હતા. જેને આધારે પોલીસે જલગાંવ પહોંચી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ સોનાના દાગીના સ્થાનિક સોનીને વેચી દીધા હોવાની અને સોનીએ તે ગાળી નાખ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાગીના ખરીદનાર સોનીની પણ અટકાયત કરી હતી. તેમની પાસેથી ₹૨.૩૭ લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીએ ચોરીના નાણાંમાંથી બેંકમાં કરાવેલી ₹૬ લાખની ફિક્સ ડિપોઝિટ (FD) પણ પોલીસે તોડાવીને રકમ સીઝ કરી હતી, જ્યારે બાકીની રોકડ અલગ-અલગ સ્થળેથી રિકવર કરી સમગ્ર ચોરાયેલી મત્તા કબ્જે કરી હતી.
પોલીસની રાત-દિવસની મહેનતને પરિણામે પોતાની આજીવન મરણમૂડી પરત મળતાં અલકાબેન અત્યંત ભાવુક બન્યા હતા. શનિવારના પવિત્ર દિવસે જ પોતાની મહેનતની કમાણી પરત મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે સુરત ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં મંત્રીએ તેમને પ્રોત્સાહિત કરી સરકાર અને પોલીસ હંમેશા સામાન્ય નાગરિકોની સાથે હોવાની ખાતરી આપી હતી.
આમ, કીમ પોલીસની સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીને કારણે એક ગરીબ મહિલાને ન્યાય મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીનો ભેદ ઉકેલાતાં સમગ્ર વિસ્તારમાં પોલીસની પ્રશંસનીય કામગીરીની સરાહના થઈ રહી છે અને નાગરિકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
