<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સુરત ગ્રામ્ય એલસીબીનું દિલધડક ઓપરેશન : ઇલેક્ટ્રિક પાર્ટસની આડમાં લવાતો એક કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી આઈજી પ્રેમ વીર સિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મેળવાઈ મોટી સફળતા

એલસીબી પીઆઈ એન.જી.પાંચાણીની ટીમે માંડવીના પુનાગામ પાસે નાકાબંધી કરી કન્ટેનરમાંથી 9300 બોટલ દારૂ સાથે રાજસ્થાનના બુટલેગર લખારામ જાટને દબોચ્યો : અશોક અને શ્રવણ સહિત 3 આરોપીઓ વોન્ટેડ જાહેર

રાજકોટ:સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) પ્રોહિબિશનની સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરતા એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની કડક સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જળમૂળથી નેસ્તનાબૂદ કરવા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ એલસીબીની ટીમે માંડવી તાલુકાના પુનાગામ નજીકથી ઇલેક્ટ્રિક પાર્ટ્સના બનાવટી બિલના ઓથા હેઠળ કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક કરોડથી વધુનો અધધ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સફળ રેડની વિગતવાર માહિતી મુજબ, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.પાંચાણીને એક ચોક્કસ અને સચોટ ખાનગી બાતમી મળી હતી કે, એક અશોક લેલન કન્ટેનર નંબર MH-46-F-5779 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને નવાપુર, સોનગઢ અને માંડવી થઈને અંકલેશ્વર તરફ જનાર છે. આ બાતમીના આધારે તુરંત એક્શનમાં આવેલી એલસીબીના પીએસઆઈ જે.એલ.પટેલ, પીએસઆઈ એ.એન.ચૌહાણ સહિતની ટીમોએ માંડવી-કીમ રોડ પર પુનાગામની હદમાં કડક પોલીસ નાકાબંધી ગોઠવી દીધી હતી.
આ નાકાબંધી દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યું હતું. પોલીસે કન્ટેનરના ચાલક લખારામ જાટને રોકીને કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ તેણે કન્ટેનરમાં માત્ર ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ જ ભરેલા હોવાનું કહીને પોલીસ સમક્ષ કાયદેસરના લાગતા બનાવટી બિલ અને દસ્તાવેજો રજૂ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ ટીમને તેના પર શંકા જતા કન્ટેનરનું સત્તાવાર સીલ તોડીને અંદર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કન્ટેનર ખોલીને અંદર જોતા જ પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં ઇલેક્ટ્રિક માલના બદલે વિદેશી દારૂની મોટી મોટી પેટીઓ છુપાવેલી હતી.
પોલીસે કન્ટેનરમાંથી એક કરોડ થી વધુ કિંમતની 9300 નંગ વિદેશી દારૂની બાટલીઓ જપ્ત કરી હતી. આ સાથે જ રૂ. 15,00,000/- ની કિંમતનું અશોક લેલન કન્ટેનર, રૂ. 5,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. 200/- ની રોકડ રકમ મળીને કરોડોનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો. પકડાયેલા કન્ટેનર ચાલક લખારામ બન્નારામ જાટ (ઉંમર વર્ષ 40, રહે. બુણીયાગામ, તા. શેરડવા, જી. બાડમેર, રાજસ્થાન) એ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરીને ગુજરાતના અંકલેશ્વર ખાતે સપ્લાય કરવા માટે લાવી રહ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન આંતરરાજ્ય બુટલેગિંગનું મોટું નેટવર્ક સામે આવ્યું છે, જેમાં પોલીસે 3 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અશોક, ડ્રાઇવરને નોકરી પર મોકલનાર શ્રવણ (રહે. ગુડામાલાની, જી. બાલોત્રા) તથા અંકલેશ્વર ખાતે આ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમનો સમાવેશ થાય છે. આ તમામ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશન પાર પાડવામાં એલસીબીના એએસઆઈ હેમંત બાવાભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિલ રામજીભાઈ તથા એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે પ્રશંસનીય અને પ્રમુખ ભૂમિકા ભજવી હતી.

(2:27 PM IST)