<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

પલસાણાના તુંડી ગામે નેશનલ એક્સપ્રેસ વે પરથી સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ ૩૩.૯૮ લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું : કુલ ૪૯.૧૫ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના કૃષ્ણકુમાર ગોદારાની ધરપકડ : જુઓ વિડીયો

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાથી પી.આઈ. આર.બી. ભટોળ, એન.જી. પાંચાણી અને પી.એસ.આઈ. એચ.સી. મસાણીની ટીમે પલસાણામાં સફળ ઓપરેશન પાર પાડ્યું : ચંડીગઢથી વડોદરા લઈ જવાતી ૨૨,૬૫૬ દારૂની બાટલીઓ કબજે : દારૂ મોકલનાર 'શેઠજી' સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા

રાજકોટ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશો આપ્યા હતા. આ સૂચનાઓને પગલે એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એન.જી. પાંચાણી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી:

એલ.સી.બી. પી.એસ.આઈ. એચ.સી. મસાણીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. શૈલેષભાઈ માનસિંગભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ટાટા ટ્રક કન્ટેનર (નંબર NL-01-AC-2112) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક ધુલિયા, સોનગઢ, બારડોલી થઈને પલસાણા એક્સપ્રેસ હાઈવે ટોલનાકું પસાર કરી વડોદરા તરફ જઈ રહ્યો હતો.

 

ગુપ્ત ચોરખાનામાંથી વિપુલ જથ્થો મળી આવ્યો:

પોલીસ ટીમે પલસાણા તાલુકાના તુંડી ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે નંબર ૪ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું કન્ટેનર આવતા જ તેને રોકીને તલાશી લેતા અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી ૨૨,૬૫૬ નંગ દારૂની બાટલીઓ કબજે કરી હતી, જેની કિંમત ૩૩,૯૮,૪૦૦ રૂપિયા થાય છે.

પકડાયેલ આરોપી અને મુદ્દામાલ:

પોલીસે કન્ટેનર ચાલક કૃષ્ણકુમાર પુરારામ ગોદારા (જાટ), ઉંમર વર્ષ ૨૦, રહે. સોડીયાર, રાજસ્થાનની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દારૂ ઉપરાંત ૧૫ લાખની કિંમતનું ટાટા કન્ટેનર, ૧૫,૫૦૦ રૂપિયાની કિંમતના ૩ મોબાઈલ ફોન અને ૧,૨૦૦ રૂપિયા રોકડા મળી કુલ ૪૯,૧૫,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર:

પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ચંડીગઢ બાયપાસ હાઈવે પરથી એક ઇસમે ભરી આપ્યો હતો અને વડોદરા સુધી પહોંચાડવાનો હતો. આ કેસમાં પોલીસે નીચેના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે:

  દારૂ ભરાવનાર 'શેઠજી' (પૂરું નામ અજ્ઞાત).

  ચંડીગઢ બાયપાસ પર ટ્રક સોંપનાર અજાણ્યો શખ્સ.

  વડોદરા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો શખ્સ.

કામગીરી કરનાર ટીમ:

આ પ્રશંસનીય કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ, પી.આઈ. એન.જી. પાંચાણી, પી.એસ.આઈ. એચ.સી. મસાણી, એ.એસ.આઈ. શૈલેષભાઈ માનસિંગભાઈ, એ.એસ.આઈ. રોહિતભાઈ બાબુભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ, આર્મડ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભૂપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈ જોડાયા હતા.

(7:36 PM IST)