<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુરત : પાસોદરાની ખાડીમાં વહેલી સવારે કેમિકલ ઠાલવતા માફિયાઓ સામે લાલ આંખ : મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ જીપીસીબી અને પોલીસની કડક કાર્યવાહી : જુઓ વિડીયો

કોર્પોરેટરો સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા અને કાવ્યાબેન પટેલ સહિત મંત્રીના પીએ ભૌતિકભાઈએ ઘટનાસ્થળે પહોંચી આરોગ્ય વિભાગને તપાસના આદેશ આપ્યા

 સુરત:  પાસોદરા વિસ્તારમાં આવેલી ખાડીમાં વહેલી સવારે કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી કેમિકલ ઠાલવવાની એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ બાબતની જાણ થતા જ જનતાના આરોગ્ય અને પર્યાવરણના હિતમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 સ્થળ પર દોડી ગયેલું તંત્ર

આ ઘટનાની ગંભીરતાને સમજીને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ કોર્પોરેટર સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા તથા કાવ્યાબેન પટેલે તાત્કાલિક સતર્કતા દાખવી હતી. મંત્રીના પીએ ભૌતિકભાઈ અને કોર્પોરેટરોની આ ટીમે કેમિકલ ઠાલવવામાં આવ્યું તે ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 કાયદેસરની કાર્યવાહીની સૂચના

સ્થાનિક પ્રતિનિધિઓએ આ મામલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને તુરંત જાણ કરી હતી. ખાડીમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ પાણીના નમૂના લઈ તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય.

 માફિયાઓને સ્પષ્ટ સંદેશ

આ પ્રસંગે મંત્રી અને કોર્પોરેટરો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જનતાના આરોગ્ય સાથે રમત રમનાર કોઈપણ કેમિકલ માફિયા કે અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પર્યાવરણને હાની પહોંચાડનાર જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કેમિકલ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(5:53 PM IST)