<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુરત રેન્જ વડા પ્રેમવીર સિંહ યાદવ અને ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારનું 'હરિયાળું ગુજરાત' અભિયાન બન્યું ઘટાટોપ : આહવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાતાં સર્જાયો અદભુત નજારો

નાયબ પોલીસ અધિક્ષક જે.પી. નલવૈયાએ આપી વિગતો : પડતર જમીન પર ઘટાદાર અને ફળાઉ વૃક્ષો રોપવાની સાથે આકર્ષક માનવસર્જિત ધોધનું નિર્માણ કરાયું : વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ ૩.૦' અભિયાનને સાર્થક કરતી પોલીસ ટીમ

રાજકોટ,ગુજરાત સરકાર દ્વારા શહેરો, ગામો, જાહેર સ્થળો અને ખાલી સરકારી જમીનો પર વનો વિકસાવીને 'હરિયાળા ગુજરાત'ના નિર્માણ માટે સતત પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે સુરત રેન્જ વડા પ્રેમવીર સિંહ યાદવના સબળ માર્ગદર્શનમાં આ અભિયાન અત્યંત ઘટાટોપ બન્યું છે અને આહવા ખાતે એક અદભુત નજારો સર્જાયો છે. દેશના વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ ૩.૦' અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એક પ્રશંસનીય અને મોટી પર્યાવરણીય પહેલ કરવામાં આવી છે. અહીં પોલીસ કર્મચારીઓ દ્વારા જાપાનીઝ 'મિયાવાકી પદ્ધતિ'થી ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને વનોના જતન અને સંવર્ધનનો સરાહનીય સંદેશ આપવામાં આવ્યો છે.

આજરોજ ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે આ નવવિકસિત વનની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને છોડ તથા વૃક્ષોની યોગ્ય જાળવણી કરવા બાબતે સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા.

 પડતર જમીન પર હરિયાળી અને માનવસર્જિત વનનું આકર્ષણ:

આ ભવ્ય વૃક્ષારોપણની વિગતો આપતાં નાયબ પોલીસ અધિક્ષક જે.પી. નલવૈયાએ જણાવ્યું હતું કે, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલી લાંબા સમયની પડતર અને બંજર જમીનનું ધોવાણ અટકાવવાના તેમજ સમગ્ર કેમ્પસને હરિયાળું રાખવાના ઉદ્દેશ્ય સાથે આ સુંદર આયોજન કરાયું છે. અહીં મિયાવાકી પદ્ધતિથી ઘટાદાર અને વિવિધ ફળાઉ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ સાથે જ આ પરિસરમાં એક સુંદર અને આકર્ષક માનવસર્જિત ધોધનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જે હાલ પોલીસ પરિસરમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

 મિયાવાકી પદ્ધતિના અનેકવિધ પર્યાવરણીય ફાયદા:

ઉલ્લેખનીય છે કે, મિયાવાકી પદ્ધતિથી ખૂબ જ ટૂંકા સમયમાં અને મર્યાદિત જગ્યામાં ગીચ વન તૈયાર કરી શકાય છે. આ વન આગામી સમયમાં પક્ષીઓ, નાના જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે એક અનુકૂળ અને સુરક્ષિત આશ્રયસ્થાન બનશે. આ ઉપરાંત, આ હરિયાળી હવામાં રહેલા હાનિકારક કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં, ધૂળ અને પ્રદૂષણ ઘટાડવામાં તેમજ ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

ડાંગ પોલીસની આ પ્રશંસનીય કામગીરી સ્પષ્ટપણે દર્શાવે છે કે, વૃક્ષારોપણ એ માત્ર એક પ્રતીકાત્મક કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, હરિયાળું તેમજ સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે.

(10:48 PM IST)