<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

સુરત પોલીસની ફરી કાબિલેદાદ કામગીરી : પાંચ દિવસથી ગુમ થયેલ રાજસ્થાની કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજસ્થાનથી સુરત પોતાના કાકાના ઘરે ફરવા આવેલો અને રસ્તો ભૂલી ગયેલો 14 વર્ષીય કિશોર પાંચ-પાંચ દિવસની સખત મહેનત બાદ હેમખેમ મળી આવ્યો

સુરત પોલીસ ફરી એકવાર પ્રશંસાને પાત્ર બની છે. રાજસ્થાનથી સુરત પોતાના કાકાના ઘરે ફરવા આવેલો અને રસ્તો ભૂલી ગયેલો 14 વર્ષીય કિશોર પાંચ-પાંચ દિવસની સખત મહેનત બાદ હેમખેમ મળી આવ્યો છે. સરથાણા પોલીસે રાત-દિવસ એક કરીને આ માસૂમ બાળકને શોધી કાઢ્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું, જેના કારણે પોલીસ સ્ટેશનમાં જ અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, રાજસ્થાનથી સુરત ખાતે પોતાના કાકાને ત્યાં ફરવા આવેલો ૧૪ વર્ષીય કિશોર અચાનક સાયકલ લઈને નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો. અજાણ્યા શહેરમાં રસ્તો ન મળતાં આ માસૂમ કિશોર પાંચ દિવસ સુધી અલગ-અલગ લારીઓ અને હોટલોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. બીજી તરફ, બાળક ગુમ થતાં ચિંતિત પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ૨૦થી વધુ જાંબાઝ પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવીને કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

 

પોલીસે આસપાસના વિસ્તારોના 100થી વધુ CCTV કેમેરાઓ ખૂબ જ ઝીણવટપૂર્વક ફંફોસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે બાતમી મેળવીને આખરે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક ઈંડાની લારી પરથી આ ગુમ થયેલા સગીરને હેમખેમ શોધી કાઢ્યો હતો. પાંચ દિવસની અથાક મહેનત બાદ જ્યારે પોલીસે સગીરને તેના વાલી વારસોને સોંપ્યો, ત્યારે પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સુરત પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુશ્કેલીના સમયમાં પરિવારોની ખુશીઓ પણ પાછી લાવે છે. સુરત પોલીસની આ સરાહનીય કામગીરીને અત્યારે ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે.

 

(7:03 PM IST)