<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સુરત પોલીસના 'વરઘોડા' એ DGP ના આદેશોને કર્યા કચરાપેટીમાં: કાયદો કે પબ્લિસિટી સ્ટંટ?

રાજ્યના પોલીસ વડાની સ્પષ્ટ મનાઈ છતાં સુરતમાં અસામાજિક તત્વોના જાહેરમાં સરઘસ કાઢતા વિવાદ, કાયદાકીય નિષ્ણાતો દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા.

સુરત : સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આસિફ ગાન્ડા નામના રીઢા આરોપીએ સાગરીતો સાથે હથિયારો વડે આતંક મચાવ્યા બાદ, સુરત પોલીસે DGP ના આદેશોની અવગણના કરીને આરોપીઓને જાહેરમાં દોરીથી બાંધીને ફેરવતા મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર 'વાહ વાહ' લૂંટવા માટે પોલીસે કાયદાકીય મર્યાદા ઓળંગી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે આરોપીઓની ધરપકડ તો કરી, પરંતુ સત્તાવાર માહિતી આપવાને બદલે આરોપીઓને રસ્તા પર દોરડાથી બાંધીને ચલાવતો વીડિયો જાતે જ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. રાજ્ય પોલીસવડાની સ્પષ્ટ સુચના છે કે આરોપીઓનું સરઘસ કાઢીને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન કરવું, છતાં સ્થાનિક પોલીસ કાયદાકીય કામગીરી કરવાના બદલે સસ્તા પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહી છે.

પોલીસની આ કામગીરી સામે હવે બુદ્ધિજીવીઓ અને કાયદાના નિષ્ણાતો સવાલો ઉઠાવી રહ્યા છે. જો પોલીસ જ રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીના આદેશોનું પાલન નહીં કરે, તો સામાન્ય જનતા પાસે કાયદાના પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આરોપીઓને સજા આપવાનું કામ કોર્ટનું છે, ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારે સોશિયલ મીડિયા પર પબ્લિસિટી સ્ટંટ કરવા પાછળનો હેતુ શું? તેવા ગંભીર સવાલો હાલ સુરત ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

આ ઘટના બાદ હવે પોલીસની આ મનમાની અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો DGP ના આદેશોનો ભંગ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આવી ઘટનાઓ પોલીસની છબી વધુ ખરડાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ બાબતે પોલીસ તંત્ર કોઈ સત્તાવાર ખુલાસો કરે છે કે પછી મૌન સેવી લે છે.

(1:52 PM IST)