તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 9th May 2026
ઝારખંડના સનસનાટીભર્યા મર્ડર કેસનો સુરત પોલીસે ઉકેલ્યો ભેદ: દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી વેડ રોડ પરથી ઝડપાયો, ૨૫ હજારની લેતીદેતીમાં મિત્રની જ કરી હતી હત્યા!
કબ્રસ્તાનમાં લાશ દાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનાર રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામ જેલના સળિયા પાછળ; SIT ની તપાસ અને હાઈકોર્ટના આદેશ બાદ ખુલેલું હત્યાનું રહસ્ય

સુરત : સુરત શહેરની ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક પ્રશંસનીય કામગીરી કરતા ઝારખંડના ચકચારી મર્ડર કેસના મુખ્ય આરોપીને દબોચી લીધો છે. છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થયેલો આ શખ્સ સુરતના વેડ રોડ વિસ્તારમાં નામ બદલીને છુપાઈને રહેતો હતો. આ ધરપકડ સાથે જ એક લાંબા સમયથી વણઉકેલાયેલા ક્રૂર ગુનાનો અંત આવ્યો છે.
ગુમ થયેલા યુવાનનું નીકળ્યું કંકાલ
ઝારખંડના ચીરાચાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન ૨૦૨૨માં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી હતી. ૧૪ જૂન ૨૦૨૨ના રોજ ખાલીક અંસારી નામનો યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. શરૂઆતમાં પુત્રનો પતો ન લાગતા ખાલીકના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટના કડક આદેશ બાદ રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ શંકાના આધારે એક કબ્રસ્તાનમાં ખોદકામ કરાવતા ત્યાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું, જે DNA ટેસ્ટમાં ખાલીક અંસારીનું હોવાનું સાબિત થયું હતું.
મામૂલી રકમ માટે મિત્રની નિર્મમ હત્યા
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માત્ર ૨૫ હજાર રૂપિયાની લેતીદેતી જેવી મામૂલી બાબતે મુખ્ય સૂત્રધાર રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામે પોતાના જ મિત્ર ખાલીકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે તેણે લાશને કબ્રસ્તાનમાં દાટી દીધી હતી. આ કેસમાં અન્ય સાગરીતો અગાઉ ઝડપાઈ ગયા હતા, પરંતુ રાજન નાસતો-ફરતો હતો.
ચોકબજાર પોલીસની સફળતા
ઝારખંડ પોલીસ અને અદાલતે જેની સામે CRPC કલમ-૭૦ મુજબ વોરંટ જાહેર કર્યું હતું તેવો રાજન રામ સુરતમાં છુપાયો હોવાની સચોટ બાતમી સુરત પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ સુરત પોલીસે આરોપીની અટકાયત કરી ઝારખંડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
