<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ટ્રાફિક મેનેજમેન્ટમાં ઐતિહાસિક પહેલ : મતગણતરી કેન્દ્ર ખાતે રિંગ રોડ પર જામની સમસ્યા નિવારવા નવો રસ્તો શોધી કાઢ્યો : જુઓ વિડિયો

ટ્રાફિક એસીપી એન. આઈ. ટંડેલની મહત્વની ભૂમિકા : મજુરા ગેટથી આદર્શ સોસાયટીનો માર્ગ બંધ કરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજના પાછળના ગેટથી કાર્યકર્તાઓ માટે છાંયડાવાળી નવી વ્યવસ્થા ઉભી કરાઈ

સુરત: સુરત શહેરમાં ચાલી રહેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને ઐતિહાસિક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિંગ રોડના ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વિના વૈકલ્પિક આંતરિક રસ્તો શોધી કાઢીને ટ્રાફિક વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

 

ટ્રાફિક વિભાગ દ્વારા આંતરિક રસ્તાની શોધ અને નવી વ્યવસ્થા:

સામાન્ય રીતે મતગણતરીના દિવસે રિંગ રોડ પર કાર્યકર્તાઓ અને વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટ્રાફિક વિભાગ દ્વારા ગાંધી એન્જિનિયરિંગ કોલેજના પાછળના ભાગનો ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક) એન. આઈ. ટંડેલ દ્વારા આ મામલે મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. નવી વ્યવસ્થાના ભાગરૂપે મજુરા ગેટ આરટીઓની સામેથી આદર્શ સોસાયટી તરફ જતો રોડ બંધ કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને આંતરિક રસ્તાઓ પર ડાયવર્ટ કરી રિંગ રોડને સંપૂર્ણપણે અડચણમુક્ત રાખવામાં આવ્યો છે.

 

કાર્યકર્તાઓ માટે તડકાથી બચવા કુદરતી છાંયડાની સુવિધા:

આ નવી ટ્રાફિક વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, મતગણતરીમાં આવતા અલગ-અલગ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ માટે માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. શહેરના ધોમધખતા તડકાનો ભોગ કાર્યકર્તાઓને ન બનવું પડે તે માટે તેમને ઝાડની ઘટાઓ અને છાંયડા વચ્ચે ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત પોલીસના ઇતિહાસમાં આ પ્રકારનું આયોજન પ્રથમવાર જોવા મળ્યું છે, જેમાં ટ્રાફિક નિયમન સાથે નાગરિકોની સુવિધાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નવીન પ્રયોગને કારણે રિંગ રોડ પર ટ્રાફિકની ગતિ જળવાઈ રહી છે અને કાર્યકર્તાઓ પણ સુવિધાજનક માહોલમાં રહી શક્યા છે.

(12:01 PM IST)