News of Monday, 27th July 2026
સુરત પોલીસને મોટી સફળતા : રાહદારીઓ લક્ષ્ય બનાવી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ૨ સભ્યોને ઝડપી પાડ્યા
ઉત્તરાણ અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો:૫ કિંમતી મોબાઈલ ફોન અને મોટરસાયકલ કબ્જે: પોલીસે કુલ ₹૧,૩૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત શહેરમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના બનાવોને ડામવા માટે સુરત પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા સાંપડી છે. પોલીસે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ લક્ષ્ય બનાવી મોબાઈલ સ્નેચિંગ કરતી શાતિર ગેંગના ૨ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ કામગીરીથી ઉત્તરાણ અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
સુરતમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને બે શાતિર આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મુસ્તફા ઉર્ફે ટીલીલી સૈયદ (રહે. બાપુનગર, રાંદેર) અને અયાન ઉર્ફે ઘાંચી (રહે. દયાળ ભેંસાણ રોડ, રાંદેર) તરીકે થઈ છે.
આરોપીઓ પાસેથી અલગ-અલગ જાણીતી કંપનીઓના ૫ કિંમતી મોબાઈલ ફોન અને સ્નેચિંગની ઘટનાઓમાં ઉપયોગમાં લેવાતી મોટરસાયકલ કબ્જે કરવામાં આવી છે. પોલીસે કુલ ₹૧,૩૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુસ્તફા સામે ભૂતકાળમાં ૧૨ જેટલા ગુના અને ૩ પાસાની સજા નોંધાયેલી છે, જ્યારે બીજા આરોપી સામે ૨ ગુના દાખલ થયેલા છે.
આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓ રસ્તા પર ચાલતા રાહદારીઓનો પાછળથી બાઇક પર આવીને આંતરીને સ્નેચિંગ કરતા હતા. રાંદેર પોલીસની આ સફળ કામગીરીથી ઉત્તરાણ અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના અણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
