તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
સુરત હત્યા કેસ : "મારી ભૂલ થઈ ગઈ" પુત્રને કરેલા એક મેસેજે પિતાને જેલભેગા કર્યા : આ રીતે હત્યાનો ભેદ ઉકેલાયો
સલાબતપુરામાં પતિએ પત્ની શિલ્પા સાળવીની હત્યા કરી સિમેન્ટના બોક્સમાં સંતાડી લાશ; ગુમશુદાની ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

સુરત તા.૨૭ : સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. 39 વર્ષીય ડાયટિશિયન શિલ્પા સાળવીની હત્યા તેના જ પતિ વિશાલ સાળવીએ કરી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને લાકડાના બોક્સમાં સિમેન્ટ ભરી સંતાડી દીધી હતી. આરોપી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પત્ની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ તપાસ મુજબ, વિશાલ સાળવી છેલ્લા આઠ વર્ષથી બેરોજગાર હતો જ્યારે શિલ્પા SMIMER હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે કામ કરતી હતી અને બાદમાં પોતાનું ક્લિનિક ચલાવતી હતી. દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આરોપીને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને મોબાઈલ ચેક કરવા દેતી ન હોવાથી અવારનવાર બોલાચાલી થતી હતી.
20 એપ્રિલના રોજ વિશાલે શિલ્પાની હત્યા કરી દીધી. ત્યારબાદ લાશને સલાબતપુરા ખાતે આવેલા પોતાના પૈતૃક જૂના મકાનમાં લાકડાના બોક્સમાં મૂકી ઉપરથી સિમેન્ટ ભરી દીધું હતું. હત્યા બાદ આરોપીએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના 13 વર્ષના પુત્રને એક હાથથી લખેલી ચિઠ્ઠી મળી. આ ચિઠ્ઠી વોટ્સએપ દ્વારા સંબંધીને મોકલવામાં આવી હતી. ચિઠ્ઠીમાં વિશાલે કબૂલ્યું હતું કે, "લગ્નના શરૂઆતના વર્ષો શાંતિપૂર્ણ હતા, પરંતુ સતત ઘરેલુ કલહથી કંટાળીને મેં આ ગુનો કર્યો છે. મેં 20 એપ્રિલે ગુનો કર્યો અને લાશ સલાબતપુરા ખાતેના પૈતૃક ઘરમાં સંતાડી છે. મારી ભૂલ થઈ ગઈ."
પુત્રએ આ ચિઠ્ઠી પોલીસને સોંપતા પોલીસે તપાસનો દોર બદલ્યો. સલાબતપુરા ખાતેના બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા પોલીસે તપાસ કરતા લાકડાના બોક્સમાંથી શિલ્પાની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે આરોપી વિશાલ સાળવીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દંપતીને 13 અને 8 વર્ષના બે પુત્રો છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
