<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

હાઈકોર્ટની આકરી ફટકાર બાદ સુરત મનપા આખરે હરકતમાં : બહુચર્ચિત નાસીરનગર ગેરકાયદે ડિમોલીશનકાંડમાં ઝોન અને રોડ વિભાગના જવાબદાર અધિકારીઓ પર સસ્પેન્શનની લટકતી તલવાર

એક મહિનો વીતી જવા છતાં તપાસ સમિતિનો અહેવાલ ગુપ્ત રખાતા અદાલતે ઉઠાવ્યા હતા આકરા સવાલો : સરકારના દબાણ વચ્ચે પાલિકાની મુખ્ય કચેરીને બદલે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય ગુપ્ત બેઠકથી વહીવટી વર્તુળોમાં ભારે ગણગણાટ

સુરત, ૧ જુલાઈ:સુરતના બહુચર્ચિત નાસીરનગર ગેરકાયદે ડિમોલીશનકાંડને એક આખો મહિનો વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવામાં આવ્યા નથી. આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના તો કરી દેવામાં આવી હતી, પરંતુ તેનો અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી કે આ કાંડમાં કોની જવાબદારી નક્કી થઈ છે તે અંગે પણ પાલિકા તંત્ર મૌન સેવીને બેઠું છે. આ આખા પ્રકરણમાં નામદાર હાઈકોર્ટે કડક વલણ અપનાવી પાલિકાની ઢીલી કામગીરી પર આકરા સવાલો ઉઠાવતા જ મનપા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

 

સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક ચર્ચાના કેન્દ્રમાં:

ગુજરાત હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ રાજ્ય સરકાર તરફથી પણ આ કાંડના ગુનેગારો અને જવાબદારો સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેના પગલે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે, આ મહત્વપૂર્ણ બેઠક પાલિકાની મુખ્ય કચેરીને બદલે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવી હતી, જેને કારણે પાલિકાના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગુપ્ત બેઠકમાં નાસીરનગર ડિમોલીશનકાંડમાં સંડોવાયેલા કયા સ્તરના અધિકારીઓની કેટલી જવાબદારી નક્કી કરવી અને તેમની સામે કેવા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તે અંગે કલાકો સુધી વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. જોકે, બેઠક પૂર્ણ થયા બાદ પણ પાલિકાના ઉચ્ચ સત્તાધીશો દ્વારા મીડિયા સમક્ષ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અદાલતની આગામી સુનાવણી પૂર્વે જ મોટા અધિકારીઓ નપાવવાની શક્યતા:

હાઈકોર્ટના આકરા વલણ અને સરકાર તરફથી આવી રહેલા પ્રચંડ દબાણને ધ્યાનમાં રાખતા હવે પાલિકા પાસે કડક પગલાં લીધા વિના કોઈ છૂટકો રહ્યો નથી. વહીવટી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ડિમોલીશનકાંડમાં સીધી રીતે સંડોવાયેલા ઝોન વિભાગ તેમજ રોડ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે સસ્પેન્શન સહિતની આકરી ખાતાકીય કાર્યવાહી થવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. અદાલતમાં આ કેસની આગામી સુનાવણી યોજાય તે પહેલાં જ પાલિકા તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે જવાબદારો સામે આકરા નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરે તેવી વહીવટી વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

(1:46 PM IST)