<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરત પર આભ ફાટ્યું: ખાડીપુરની તબાહી બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં, કાળાબજારી કરનારાઓ સામે કલેક્ટરની લાલ આંખ

પૂરગ્રસ્તોને ઘરવખરી અને કેશડોલની સહાય પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી, વેપારીઓના વીમા ક્લેમ ઝડપથી ઉકેલવા આદેશ

સુરત : સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા મુશળધાર વરસાદ અને ત્યારબાદ સર્જાયેલા ખાડીપુરની સ્થિતિએ જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અનેક સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો, વ્યાપારી સંકુલો અને ઔદ્યોગિક એકમોમાં પાણી ભરાઈ જવાથી થયેલા વ્યાપક નુકસાનના પગલે વહીવટી તંત્ર સતત દોડતું થયું છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

તંત્ર દ્વારા નુકસાનનો સર્વે અને સહાયની કામગીરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી સુરત મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને નુકસાનના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત નાગરિકોને ઘરવખરીની સહાય અને કેશડોલ પહોંચાડવા માટે વધારાની ટીમો બનાવીને આવતીકાલ સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્તો સુધી પહોંચવાનું આયોજન કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા દરેક વિસ્તાર માટે નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, જેથી કોઈ પણ પરિવાર સહાયથી વંચિત ન રહે.

વ્યાપારીઓ માટે ખાસ રાહત અને વીમા કંપનીઓને કડક સૂચના

ભારે વરસાદને કારણે ઉદ્યોગો અને વ્યાપારીઓને થયેલા આર્થિક નુકસાનને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરે વીમા કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તમામ ક્લેમ ઝડપથી સ્વીકારવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે. વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને ફરિયાદોના નિવારણ માટે ટૂંક સમયમાં એક સમર્પિત વેબસાઈટ પણ શરૂ કરવામાં આવશે.

આપત્તિમાં કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

આ દુઃખદ સમયમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઓટો રિપેરિંગ, મશીનરી રિપેરિંગ અને અનાજ જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં મનસ્વી વધારો કરવામાં આવતો હોવાની ફરિયાદો વહીવટી તંત્ર સુધી પહોંચી છે. આ મામલે કડક વલણ અપનાવતા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આપત્તિના સમયે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનારાઓ સામે કાયદાનો સખત હાથ કામ કરશે. જો કોઈ દુકાનદાર કે વ્યક્તિ વધુ ભાવ લેતા પકડાશે, તો તેમની સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે.

(10:40 PM IST)