<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા:વૃદ્ધને સતત 26 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' કરી રૂ.1.48 કરોડ પડાવનાર અમદાવાદથી ઝડપાયો

ઉર્જિત કવિ વિરુદ્ધ અમદાવાદમાં અગાઉ ચીટિંગના 2 અને અન્ય 5 ગુનાઓ:નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તેના બેંક ખાતા સાથે જોડાયેલી કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી

સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા  મળી છે અમદાવાદના ઉર્જિત કવિ નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક 72 વર્ષીય વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ડરાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે વૃદ્ધને સતત 26 દિવસ સુધી ડિજિટલ નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસના આધારે સુરત પોલીસે આરોપીને દબોચી લીધો છે.

ઘટનાની વિગત મુજબ, ગત 2 જાન્યુઆરીએ એક અજાણી મહિલાએ ભટારના વૃદ્ધ મુકેશભાઈને કોલ કર્યો હતો અને પોતે મુંબઈ સાયબર ક્રાઈમમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી. ત્યારબાદ, CBI હેડ સતીશ નિકમના નામે નકલી વીડિયો કોલ કરીને વૃદ્ધને જણાવાયું હતું કે તેઓ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા છે. આરોપીઓએ ડર પેદા કર્યો હતો કે વૃદ્ધના ઓળખપત્રથી લેવાયેલા સિમકાર્ડ દ્વારા સરકાર અને ધર્મ વિરુદ્ધ વાંધાજનક મેસેજ મોકલવામાં આવ્યા છે.

સાયબર માફિયાઓએ વૃદ્ધને એવી રીતે મનોવૈજ્ઞાનિક દબાણમાં રાખ્યા હતા કે તેઓ 2 જાન્યુઆરીથી 27મી જાન્યુઆરી સુધી એટલે કે સતત 26 દિવસ સુધી વોટ્સએપ અને વીડિયો કોલ દ્વારા તેમની નજર હેઠળ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઠગ ટોળકીએ વૃદ્ધ પાસેથી તબક્કાવાર કુલ 1.48 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ટોળકીએ મુંબઈમાં પકડાયેલા નરેશ ગોયલના બેંક ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું કહીને તેમને ગભરાવી મૂક્યા હતા.

ઝડપાયેલો આરોપી ઉર્જિત કવિ અમદાવાદના ગોતા વિસ્તારનો રહેવાસી છે અને અગાઉ HR કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હતો. ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તે સાયબર માફિયાઓના સંપર્કમાં આવ્યો હતો. છેતરપિંડીના 1.48 કરોડ પૈકી 40 લાખ રૂપિયા ઉર્જિતના બેંક ખાતામાં જમા થયા હતા. તે કમિશનની લાલચમાં આ નાણાં સાયબર ગુનેગારો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેના વિરુદ્ધ અગાઉ પણ ચીટિંગના અનેક ગુના નોંધાયેલા છે.

ઉર્જિત કવિ વિરુદ્ધ અમદાવાદમાં અગાઉ ચીટિંગના 2 અને અન્ય 5 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તેના બેંક ખાતા સાથે જોડાયેલી કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. સુરત સાયબર સેલે આ કેસમાં અગાઉ પણ કેટલાક આરોપીઓને પકડ્યા હતા, પરંતુ ઉર્જિતની ધરપકડથી આ આખા નેટવર્કના મહત્વના પુરાવા મળ્યા છે. પોલીસ હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

(9:46 PM IST)